આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા ગિની દેશમાંથી એક અત્યંત દર્દનાક હોનારત બની છે. રાજધાની કોનાક્રીમાં આવેલા શહેરના સૌથી મોટા ઓપન-એર ડમ્પિંગ યાર્ડમાં કચરાનો મહાકાય પહાડ અચાનક ધસી પડ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દુર્ઘટનામાં 30 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મલબા નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રખાયું છે.
જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં 30 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 6 થી વધુ લોકોની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. કાટમાળ ખૂબ મોટો હોવાથી હજુ પણ કેટલાક લોકો નીચે દબાયેલા હોઈ શકે છે, જેથી મૃત્યુઆંક વધવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશાસને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા કડક સૂચના આપી છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે, રવિવારે અહીં જોરદાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. કોનાક્રીના ‘દાર એસ સલામ’ સ્થિત ડમ્પિંગ સાઇટ પર ટનબંધ કચરો એકત્રિત થયેલો હતો. સતત પડેલા વરસાદના કારણે કચરાની ટેકરી પોચી પડી ગઈ હતી અને જોતજોતામાં ભૂસ્ખલનની જેમ આખો ઢગલો નીચે તરફ સરકવા લાગ્યો હતો. કચરાનો આ મલબો નજીકમાં આવેલી કાચી ઝૂંપડપટ્ટી અને રહેણાંક મકાનો પર ફરી વળ્યો હતો, જેના કારણે લોકોને ભાગવાનો મોકો પણ મળ્યો નહોતો. આ દુર્ઘટના મામલે અધિકારીઓએ જણાવ્યું કે, આ ખુલ્લા કચરાના ડમ્પને રવિવારના રોજથી જ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જોખમી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને પહેલેથી જ સ્થળ ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ મળ્યા બાદ ઘણા પરિવારો સલામત સ્થળે ખસી ગયા હતા, પરંતુ કમનસીબે દુર્ઘટના બની ત્યારે પણ કેટલાક પરિવારો ત્યાં જ વસવાટ કરી રહ્યા હતા. દુર્ઘટના સ્થળે પહોંચેલા પ્રાદેશિક વહીવટ અને વિકેન્દ્રીકરણ પ્રધાને જણાવ્યું હતું કે, સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે, આ વિસ્તારમાં બાકી રહેલા તમામ પરિવારોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત જગ્યાએ પુનઃવસન કરવામાં આવશે અને તેમના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.






