અમરેલી તાલુકાના પીપળગ ગામે આજે વહેલી સવારે કરુણ ઘટના બની હતી. પીપળગ ગામના બે સગા ભાઈઓ નદીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબી જતાં બંનેના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતા રાત્રિના અંધકાર વચ્ચે અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આશરે 30 મિનિટની જહેમત બાદ બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢી સ્થાનિક પોલીસને સોંપ્યા હતા.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 1:52 કલાકે અમરેલી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતેથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે, પીપળગ ગામથી મોટા આંકડિયા જવાના રસ્તા પર આવેલ નદીમાં બે બાળકો પાણીમાં ડૂબી ગયા છે.
જાણ મળતા જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર હિંમતભાઈ બાંભણિયાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને રાત્રિના અંધકાર અને પાણીની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફાયર ટીમના જવાનો દ્વારા પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ફાયર ટીમે પોતાની સૂઝબૂઝ અને જીવના જોખમે સતત આશરે 30 મિનિટ સુધી શોધખોળ કરી બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જો કે બંને બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.
મૃતકોમાં પીપળગ ગામના રહેવાસી દિનેશભાઈ ભાસ્કરના 13 વર્ષીય પુત્ર સંજય દિનેશભાઈ ભાસ્કર અને 11 વર્ષીય પુત્ર પ્રિન્સ દિનેશભાઈ ભાસ્કરનો સમાવેશ થાય છે. બે સગા ભાઈઓના એકસાથે મોતના બનાવથી પીપળગ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
ફાયર ટીમની કામગીરી પ્રશંસનીય
મધરાતના સમયે જોખમી પરિસ્થિતિમાં પાણીમાં ઉતરી બંને બાળકોની શોધખોળ કરી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરીમાં ફાયર ટીમના કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. આ રેસ્ક્યૂ કામગીરીમાં પ્રવિણભાઈ ચૌહાણ, સવજીભાઈ ડાભી અને સાગરભાઈ પુરોહિત સહિતના કર્મચારીઓ જોડાયા હતા.





