મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. બીજી તરફ, ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓએ મુશ્કેલીઓ વધારી દીધી છે.
ઉત્તરાખંડમાં અલ્મોડા, બાગેશ્વર, ટેહરી, નૈનીતાલ, ઉધમસિંહ નગર અને પૌડી સહિતના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 7 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
172થી વધુ રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં 172થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક મહત્વપૂર્ણ હાઇવે પણ અસરગ્રસ્ત થયા છે. અનેક સ્થળોએ પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળ અને પથ્થરો રસ્તા પર આવી ગયા હોવાથી વાહનવ્યવહાર અટકી ગયો છે






