રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ અને ઓડેસા સહિતનાં વિસ્તારોમાં રાત્રિભર મિસાઈલ અને 218થી વધુ ડ્રોન વડે ભયાનક હુમલો કર્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યાં અનુસાર, આ વિનાશક હુમલામાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં ડઝનબંધ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર કીવ ક્ષેત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
રશિયન સેનાએ સતત છઠ્ઠા દિવસે કીવને નિશાન બનાવીને હવાઈ હુમલા ચાલું રાખ્યાં હતાં. મધ્યરાત્રિએ થયેલાં પ્રચંડ વિસ્ફોટોને કારણે રહેણાંક ઈમારતો, રેલવે સ્ટેશન, સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. કીવના હોલોસીવસ્કી અને સોલોમિયાંસ્કી વિસ્તારો ઉપરાંત ઓડેસામાં આવેલી એક ફેક્ટરી તેમજ રોમાનિયા સરહદ નજીક આવેલા ફેરિ ક્રોસિંગ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી ઇમરજન્સી અને રાહત ટીમો દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની બચાવ કામગીરી ઝડપી કરવામાં આવી હતી. કીવના બોરિસ્પિલ અને અન્ય વિસ્તારોમાંથી ડઝનબંધ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે.
કે તેમણે 5 મિસાઈલ અને 187 ડ્રોન સહિત 199 હવાઈ લક્ષ્યોને હવામાં જ નિષ્ક્રિય કરી દીધા હતા. આ ભયાનક હુમલા બાદ યુક્રેને વધુ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે, જ્યારે ભારતીય નાગરિકના મોત અંગે વિદેશ મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.





