ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ પ્રિવેન્ટિવ વિભાગ અને CISFના જવાનોએ સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. તાજેતરના દિવસોમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન જેદ્દાહથી દિલ્હી થઈને ઢાકા જઈ રહેલા એક બાંગ્લાદેશી ટ્રાન્ઝિટ મુસાફર પાસેથી રૂપિયા 1.88 કરોડની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આરોપી મુસાફર એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા જેદ્દાહથી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર પહોંચ્યો હતો. તેને દિલ્હીથી એર ઇન્ડિયાની જ અન્ય ફ્લાઇટ દ્વારા બાંગ્લાદેશની રાજધાની ઢાકા જવાનું હતું. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ એરિયામાં સુરક્ષા ચેકિંગ દરમિયાન CISF જવાનોને મુસાફરની હિલચાલ પર શંકા ગઈ હતી. ઊંડાણપૂર્વક લેવાયેલી તલાશીમાં તેના અંડર ગારમેન્ટ્સમાંથી ભૂરા અને સફેદ રંગના 3 કેપ્સૂલ મળી આવ્યા હતા. આ કેપ્સૂલમાં રસાયણ મિશ્રિત પેસ્ટના સ્વરૂપમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. પેકિંગ સાથે આ કેપ્સૂલ્સનું કુલ વજન 1,596 ગ્રામ નોંધાયું હતું. જેની અંદાજે 1.88 કરોડ થતી હોવાનું જાણવા મળ્યું છે.તેની પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તે સાઉદી અરેબિયાના જેદ્દાહથી આ સોનું લાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ એરિયામાં અન્ય એક વ્યક્તિને હેન્ડઓવર કરવાનો હતો. કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે.
આ સમગ્ર કેસમાં કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 110 અને 104 હેઠળ કાર્યવાહી કરતા મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે.
———————–






