ટ્રમ્પ 22 સપ્ટેમ્બર 2026ના રોજ ન્યૂયોર્ક સ્થિત UN મુખ્યાલયમાં 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા પહોંચ્યા. આ દરમિયાન તેમણે કહ્યું- સંયુક્ત રાષ્ટ્રમાં આવવું મારા માટે સન્માનની વાત છે. અમે આગળ વધી રહ્યા છીએ અને આપણો દેશ ખૂબ સારું કરી રહ્યો છે. તેમને પોતાના ભાષણમાં અનેક વાતો કહી જેમાં ઈરાનને તબાહ કરવાની ધમકી પણ આપી હતી
અમેરિકા-ઈરાન યુદ્ધ શરૂ થયા બાદથી ટ્રમ્પ છેલ્લા 7 મહિનામાં 10થી વધુ વખત ઈરાનને તબાહ કરવાની ધમકી આપી ચૂક્યા છે, પરંતુ દર વખતે તેમને પીછેહઠ કરીને વાતચીતનો માર્ગ અપનાવવો પડ્યો.સર્વે મુજબ, ઈરાન પર હુમલો કરવાને લઈને 66% અમેરિકનો ટ્રમ્પથી નારાજ છે. માત્ર 34% લોકો જ ટ્રમ્પના સમર્થનમાં છે. 3 નવેમ્બરે અમેરિકામાં ચૂંટણીઓ યોજાવાની છે. ટ્રમ્પ ઈચ્છતા નથી કે તેમની પાર્ટીને નુકસાન થાય. આ જ કારણસર તેઓ ઈરાન યુદ્ધને હવે અંજામ સુધી પહોંચાડવા માંગે છે.
મધ્યસત્ર ચૂંટણી પહેલાં કેટલાક રિપબ્લિકન ઉમેદવારો હવે ઈરાન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવાની વાત કરી રહ્યા છે. તેનું કારણ ઈંધણના વધતા ભાવ અને યુદ્ધને લઈને મતદારોમાં રહેલી નારાજગી છે. આવી સ્થિતિમાં ટ્રમ્પની કડક ચેતવણી તેમની પાર્ટીના નેતાઓ અને સમર્થકોને પણ એકજૂથ રાખવાનો સંદેશ હોઈ શકે છે.ઈરાનના સમર્થનવાળા હૂતી લડવૈયાઓ સતત સાઉદી અરેબિયા પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યા છે. હૂતી લાલ સમુદ્ર અને બાબ-અલ-મંદેબની આસપાસ પણ સક્રિય છે. એશિયા અને યુરોપ વચ્ચે તેલ અને માલસામાન પહોંચાડવા માટે આ માર્ગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઈરાન પર અમેરિકાનું દબાણ વધ્યું તો હૂતીના હુમલા પણ વધી શકે છે. તેના કારણે જહાજોને લાંબો માર્ગ લેવો પડશે અને ઓઈલ-સામાન મોંઘો થઈ શકે છે. ટ્રમ્પ નથી ઇચ્છતા કે હૂતી અરબ દેશો અને અમેરિકાના સહયોગીઓ પરના હુમલા વધારે.
ઇરાનને સંપૂર્ણ નષ્ટ કરવાની ધમકી બાદ બેઠક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ઈરાનને કોઈ સમજૂતી ન થવા પર સંપૂર્ણ તબાહીની ધમકી આપી હતી, પરંતુ આ નિવેદનના થોડા જ કલાકો બાદ બંને દેશો વચ્ચે આ હાઈ-લેવલ બેઠક યોજાઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. ટ્રમ્પે ખુદ મંગળવારે માહિતી આપી હતી કે આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી અને લગભગ 3 કલાક સુધી ચાલી હતી. ઈરાની સરકારી મીડિયાના દાવા મુજબ, આ બેઠક અમેરિકી પ્રતિનિધિ સ્ટીવ વિટકૉફની વિનંતી પર યોજાઈ હતી. બેઠકમાં ઈરાન તરફથી નૌસૈનિક નાકાબંધી તરત જ હટાવવા, ફ્રિઝ કરેલા ઈરાની ફંડને તુરંત જારી કરવા અને તમામ મોરચે યુદ્ધ ખતમ કરવા જેવી કડક શરતો રાખવામાં આવી હતી.
—————————






