આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતીય શૂટર્સે પોતાનું શાનદાર પ્રદર્શન યથાવત રાખ્યું છે.આજે બુધવારે પુરુષોની સ્કીટ ટીમ ઇવેન્ટમાં અનંતજીત સિંહ નારુકા, મૈરાજ અહેમદ ખાન અને ભવતેઘ સિંહ ગિલની ભારતીય ત્રિપુટીએ દેશ માટે બ્રોન્ઝ મેડલ (કાંસ્ય ચંદ્રક) પોતાના નામે કર્યો હતો.
ભારતીય સ્કીટ ટીમે નિશાનાબાજીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા કુલ 346 પોઈન્ટનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમ અને કઝાકિસ્તાનની ટીમ વચ્ચે 346 પોઈન્ટ પર બરાબરી થઈ હતી, જેના કારણે પરિણામ માટે રોમાંચક શૂટ-ઓફ યોજાયો હતો. શૂટ-ઓફમાં ભારતીય ખેલાડીઓએ બહેતરીન પ્રદર્શન કરીને કઝાકિસ્તાનને પાછળ છોડી ત્રીજું સ્થાન અને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો.
ટીમ ઈવેન્ટમાં મેડલ જીતવા ઉપરાંત, ભારતીય શૂટર અનંતજીત સિંહ નારુકાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવીને પુરુષોની સ્કીટ વ્યક્તિગત ફાઇનલમાં પણ પોતાનું સ્થાન પાકું કર્યું હતું. ફાઇનલ ભારતીય સમય મુજબ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે..શૂટિંગમાં ભારત માટે આ મેડલ ફળદાયી દિવસ હતો, જેમાં દેશની પુરુષો અને મહિલા બંને સ્કીટ ટીમોએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.





