સિક્કિમના રિંબી ગામમાં મોડી રાત્રે અચાનક ભારે વરસાદ ત્રાટકતા ભયાનક ભૂસ્ખલન થયું. યુક્સોમ અને તાશીડિંગ વિસ્તારોમાં અનેક મકાનો, સરકારી ક્વાર્ટર અને દુકાનો કાટમાળમાં દટાઈ ગઈ. તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી 128 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. હજુ વરસાદ ચાલુ હોવાથી નવી આફતની શક્યતા છે. જાનહાનિ અંગે કોઈ માહિતી નથી.
ક્લાઇમેટ ચેન્જને કારણે હવે ક્યાં એકસાથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય કે પછી વગર વરસાદે મોટી આફત આવી જાય કંઇ નક્કી જ નથી. તાજેતરની ઘટના ભારતના જ એક સરહદી રાજ્ય સિક્કિમની છે જ્યાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા રિંબી ગામમાં મોડી રાતે અચાનક જ તોફાની વરસાદ ત્રાટકતા ભૂસ્ખલન જેવી ભયાનક ઘટના સર્જાઈ હતી.આ ભયાનક ભૂસ્ખલનને કારણે લોકોને કોઈ સુરક્ષિત સ્થળે પહોંચવાનો મોકો જ ન મળ્યો. યુક્સોમ અને તાશીડિંગ વિધાનસભા મતવિસ્તારમાં આ ભૂસ્ખલન બાદ અનેક રહેણાક મકાનો, સરકારી ક્વાર્ટર તથા દુકાનો જેવી વિવિધ સંપત્તિઓ કાટમાળની લપેટમાં આવીને વહી ગઈ. ભારે નુકસાન થયું છે. હજુ સુધી તો જાનહાનિ વિશે કોઈ માહિતી સામે આવી શકી જ નથી.
તંત્રને ઘટનાની જાણ થતાં જ તરત જ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પગલે 128 જેટલા લોકોને સુરક્ષિત સ્થાનોએ લઈ જવામાં મદદ મળી હતી. આખા ગામમાં કાટમાળ ફરી વળ્યો છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો પણ રેસ્ક્યૂમાં મદદ કરી રહ્યા છે. લોકોને આવા વિસ્તારથી દૂર રહેવા જ કહી દેવાયું છે. કારણ હજુ પણ વરસાદ ચાલુ હોવાથી ગમે ત્યારે નવી આફત ત્રાટકવાની શક્યતા છે.





