પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. શહબાઝે કહ્યું કે કાશ્મીર તેમના માટે જગર વેઇન (ગળાની નસ) છે. ભારત અહીં લોકો સાથે અત્યાચાર કરી રહ્યું છે. શહબાઝ શરીફે ભારતને સિંધુ નદીનું પાણી ન રોકવાની ધમકી પણ આપી. તેમણે કહ્યું કે પાણી રોકવાના પ્રયાસને ‘યુદ્ધની કાર્યવાહી’ માનવામાં આવશે.
શહબાઝે કહ્યું કે પાણીનો ક્યારેય હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ. નદીઓનું કામ દેશોને પાણી આપવાનું છે, તેમને વહેંચવાનું નહીં. ભારતે આ બાબતે કોઈ ભૂલ ન કરવી જોઈએ.શહબાઝે સિંધુ જળ સંધિનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ગયા વર્ષે ભારત-પાકિસ્તાન સંઘર્ષ બાદ ભારતે આ સંધિને એકતરફી રીતે સ્થગિત કરી દીધી, જેના માટે કોઈ કાનૂની આધાર નથી.શહબાઝે દાવો કર્યો કે UNના નિષ્ણાતો અને કાયમી મધ્યસ્થતા અદાલતે પણ આ મામલે ભારતના દાવાઓ અને પગલાંને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે તેનાથી પાકિસ્તાનનું વલણ સાચું સાબિત થયું છે.
જમ્મુ-કાશ્મીર પર ભારતનો જવાબ
ભાષણ દરમિયાન જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા પર ભારતે જવાબ આપ્યો કે, ‘જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે.’ આની સાથે જ ભારતે પાકિસ્તાનને પોતાના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં ડોકિયું કરવાની સલાહ આપી અને રાવલકોટના લોકો દ્વારા વેઠવી પડતી ક્રૂર હિંસા, મનસ્વી હત્યાઓ અને પાયાના અધિકારોથી વંચિત રાખવાના મુદ્દાને ઉજાગર કર્યો.






