ઈરાને કતાર મારફતે અમેરિકા સમક્ષ એક 7 દિવસનો ખાસ પ્રસ્તાવ મૂક્યો હતો. આ યોજના હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી ખોલવા અને પરમાણુ મુદ્દે અમેરિકા સાથે વાતચીત પુનઃ શરૂ કરવા તૈયાર થયું હતું. પરંતુ તેના બદલામાં ઈરાને અમેરિકા સામે 3 મુખ્ય શરતો રાખી હતી.
અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સ્પષ્ટપણે અસ્વીકાર કરી દીધો છે. ટ્રમ્પને શંકા છે કે ઈરાન તેમની માંગણીઓ પૂરી નહીં કરે. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે તેમના સહયોગીઓને સંકેત આપ્યા છે કે નવેમ્બરમાં યોજાનારી ‘મિડટર્મ’ ચૂંટણીઓ પછી ઈરાન પર ફરીથી લશ્કરી કાર્યવાહી અને બોમ્બમારો શરૂ થઈ શકે છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના જણાવ્યા અનુસાર, જો અમેરિકા તેમની શરતો સ્વીકારે તો આ 7 દિવસની સમયસીમા તે જ દિવસથી શરૂ થઈ જાત: 1 થી 5 દિવસ: અમેરિકાએ ઈરાની બંદરો પરથી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાની તેલના વેચાણ પરના પ્રતિબંધોમાં છૂટછાટ આપવી અને લેબનાનને પણ સાંકળતો યુદ્ધવિરામ અમલી બનાવવો. 6ઠ્ઠો દિવસ: ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલી દેવામાં આવે. અને 7મો દિવસ: બંને દેશો વચ્ચે પરમાણુ મુદ્દે સત્તાવાર વાટાઘાટો પુનઃ શરૂ થાય.





