ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધામધૂમથી ગણપતિ વિસર્જનનો પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. પરંતુ આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે 10 લોકોના મોત નિપજ્યા છે. સુરત, ધોળકા અને મોરબી જિલ્લામાં આ કરુણ ઘટનાઓ ઘટી છે. બીજી તરફ અમરેલી જિલ્લાના બાબરામાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા લોકોને ચેકડેમમાંથી ચાર મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ છે. અલબત, આ ચારેય લોકો ન્હાવા જતા ડૂબ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે.
કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે સાંજે તાપી નદીના કિનારે વિસર્જન અર્થે ગયેલી હોડી અચાનક પલટી મારી જતા 5 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં ત્રણના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે. માંગરોળના લિડીયાત અને કુંવરદા ગામે તેમજ ઓલપાડ તાલુકાના દિહેણ ગામે પણ ગણપતિ વિસર્જન દરમિયાન ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હોવાની ઘટનાઓ નોંધાઈ છે. બગોદરા-શિયાળ રોડ પર આવેલ થાળાવાળી પાણીની દીરમાં ગણપતિ વિસર્જન બાદ નાહવા પડેલા બે કિશોરો ડૂબવાની ઘટના સામે આવી છે. મોરબીમાં મચ્છુ 3 ડેમમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા. મોરબી ફાયર ટીમને કોલ મળતા તુરંત રેસ્ક્યુ શરૂ કરી 2ને બચાવી લીધા હતા. બીજા 2 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.






