મ્યાનમારના રાખાઇન પ્રાંતમાં સેનાની તરફથી કરવામાં આવેલી ભીષણ કાર્યવાહીમાં 49 લોકોનાં મોત થયા છે. સેનાએ વિદ્રોહીઓના નિયંત્રણવાળા આ વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો, ત્યારબાદ અહીં અફરાતફરી મચી ગઈ હતી.
મ્યાનમારના પશ્ચિમી રાખાઇન પ્રાંતમાં સેનાની તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 49 લોકોનાં મોત થયા છે, જ્યારે 58 લોકો ઘાયલ થયા છે. આ હુમલો એક શક્તિશાળી વિદ્રોહી સંગઠનના નિયંત્રણવાળા વિસ્તારમાં બજાર પાસે થયો હતો. હુમલાની માહિતી વિદ્રોહી સંગઠન અને બચાવ કામગીરી સાથે જોડાયેલા એક અધિકારીએ આપી હતી. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના ક્યાઉક્તાવ ટાઉનશિપમાં બની હતી. આ વિસ્તાર રાખાઇન રાજ્યમાં આવેલો છે અને અહીં અરાકાન આર્મી નામના શક્તિશાળી જાતિ આધારિત સશસ્ત્ર સંગઠનનું નિયંત્રણ છે.
સોમવારે આ હુમલો ક્યાઉક્તાવ ટાઉનશિપમાં થયો હતો. આ વિસ્તાર દેશના બીજા સૌથી મોટા શહેર મંડાલેથી લગભગ 340 કિલોમીટર (210 માઇલ) પશ્ચિમમાં આવેલો છે. ક્યાઉક્તાવ પર રાખાઇન સ્થિત શક્તિશાળી જાતિ આધારિત સશસ્ત્ર જૂથ ‘અરાકાન આર્મી’નું નિયંત્રણ છે.
હુમલામાં સામાન વેચનારા, ખરીદદારો અને રાહદારીઓનાં મોત આ હુમલાની માહિતીની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવી શક્ય બની નહોતી. મંગળવારે વહેલી સવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અરાકાન આર્મીએ જણાવ્યું કે બપોરના સમયે એક લડાકુ વિમાને સ્થાનિક બજાર પાસે 2 બોમ્બ ફેંક્યા હતા, જેમાં સામાન વેચનારા, ખરીદદારો અને રાહદારીઓનાં મોત થયા હતા. જૂથે જણાવ્યું કે અન્ય 58 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 22ની સ્થિતિ ગંભીર છે.





