દુબઈથી તેલ અવીવ જતી ‘ફ્લાયદુબઈ’ ફ્લાઈટમાં સહ-પાયલટના હુમલા વચ્ચે ભારતીય કેપ્ટન સ્મિત મછારે અદભૂત વીરતા દાખવી. લોહીલુહાણ સ્થિતિમાં પણ સેંકડો મુસાફરોનો જીવ બચાવી મોટી હોનારત ટાળી.વડાપ્રધાન મોદી, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઈઝરાઈલ વડાપ્રધાન નેતન્યાહૂએ તેમને ‘હીરો’ ગણાવ્યા. છરી વાગવા છતાં કોકપિટ ખોલી 174 લોકોનો જીવ બચાવનાર સ્મિત પર ભારતને ગર્વ છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ ફ્લાઈટમાં હવામાં સર્જાયેલા ગંભીર સંકટ અને હુમલાના પ્રયાસ વચ્ચે અદભુત વિરતા દર્શાવનારા ભારતીય કપ્તાન કેપ્ટન સ્મિત મછારના સાહસની આજે સમગ્ર વિશ્વમાં વાહવાહ થઈ રહી છે. લોહીલુહાણ સ્થિતિમાં પણ આકાશમાં સેંકડો નિર્દોષ મુસાફરોનો જીવ બચાવીને મોટી હોનારત ટાળનારા આ ભારતીય પાયલટની બહાદુરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સરાહીને ‘હીરો’ ગણાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિશેષ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, “કેપ્ટન સ્મિત મછાર એક અસલી હીરો છે. અત્યંત ખતરનાક અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે અન્ય લોકોના જીવ બચાવવા માટે અપ્રતિમ હિંમત દર્શાવી છે. તેમની સમયસૂચકતા અને બહાદુરીના કારણે જ એક મોટો અકસ્માત ટળ્યો છે અને સેંકડો લોકો સહીસલામત બચી ગયા છે. સમગ્ર ભારત દેશને કેપ્ટન મછાર પર ગર્વ છે.” વડાપ્રધાને કો-પાયલટના હુમલામાં ઘાયલ થયેલા ભારતીય પાયલટ ઝડપથી સ્વસ્થ થાય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતીય પાયલટના અસાધારણ સાહસને બિરદાવતા તેમને ‘હીરો’ કહ્યા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઉડાન દરમિયાન સહ-પાયલટે કથિત રીતે ભારતીય પાયલટ પર અચાનક હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મછારે માનસિક સંતુલન અને સંયમ ગુમાવ્યા વિના કટોકટીની સ્થિતિમાં મદદ માંગીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તેમની આ સૂઝબૂઝે આકાશમાં એક મોટી દુર્ઘટના થતી અટકાવી દીધી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કેપ્ટન સ્મિત મછારની સાહસિકતાને સલામી આપતાં ‘X’ પર લખ્યું કે:”હું ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછારની અસાધારણ બહાદુરીને સલામ (સેલ્યુટ) કરું છું. છરી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેમણે સામી છાતીએ સામનો કર્યો, પ્રતિકાર કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી. તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના કરું છું.
નેતન્યાહૂ બહાદુર મુસાફરને મળવા પહોંચ્યા
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયેલી લોહિયાળ અને ડરામણી ઘટના દરમિયાન પોતાની અદમ્ય બહાદુરી અને સમયસૂચકતા દાખવીને સેંકડો લોકોના જીવ બચાવનાર ઇઝરાયલી મુસાફર યાનિવ હાયુનનીપ્રશંસા થઈ રહી છે. તાજેતરમાં જ બેન-ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુદ આ બહાદુર મુસાફરને મળવા પહોંચ્યા હતા અને તેમની પ્રશંસા કરતાં તેમની પીઠ થપથપાવી હતી.
ઘટનાની વિગતો મુજબ, ફ્લાઇટ ઉડાન પર હતી ત્યારે કોકપીટમાં સહ-પાઇલટે મુખ્ય ભારતીય પાયલટ સ્મિત મછાર પર અચાનક છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ગંભીર કટોકટી અને અરાજકતા વચ્ચે ઇઝરાયલી મુસાફર યાનિવે જરાય ડર્યા વગર ત્વરિત પગલું ભર્યું હતું. તેમણે હિંમતભેર કોકપીટનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને હુમલો કરી રહેલા કો-પાઇલટને તેની સીટ પરથી ખેંચીને પાછળ ફેંકી દીધો હતો. ત્યારબાદ અન્ય મુસાફરોની મદદથી હુમલાખોર પર સફળતાપૂર્વક કાબુ મેળવવામાં આવ્યો હતો.
————————





