ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા હનુમાન મંદિરમાં રહીને પૂજા અને મંદિરની સેવા કરતા બે વૃદ્ધોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બંને વૃદ્ધોને અલગ-અલગ બાંધીને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટના બુધવારે મોડી રાત્રે લગભગ 1 વાગ્યે બની હોવાની આશંકા છે. મૃતકોની ઓળખ ગોપાલ દાસ અને મોટા દાસ તરીકે થઈ છે. મોટા દાસ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે હનુમાન મંદિર જે જમીન પર આવેલું છે, તેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મંદિર સુમિત સિંહના પરિવારની જમીન પર આવેલું છે. જમીન પર કબજો મેળવવા બાબતે બંને વૃદ્ધો સાથે સુમિતનો વિવાદ ચાલતો હોવાની માહિતી સામે આવી છે. ગામલોકોના જણાવ્યા પ્રમાણે, બુધવારે રાત્રે સુમિત ગામમાં ફરતો હતો. ત્યારબાદ તે હનુમાન મંદિર પહોંચ્યો હતો. અહીં બંને વૃદ્ધો સાથે તેનો ઝઘડો થયો હતો. આ પછી સુમિતે બંને વૃદ્ધો સાથે મારપીટ કરી હોવાનો અને તેમને અલગ-અલગ બાંધી દીધા હોવાની શક્યતા છે. ત્યારબાદ મંદિર પરિસર અને આસપાસથી લાકડાં ભેગાં કરીને બંનેને આગ ચાંપી દીધી હોવાની શક્યતા છે. આગમાં ગંભીર રીતે દાઝી જવાથી બંને વૃદ્ધોના મોત થયા હતા.




