અરવલ્લી જિલ્લાના માલપુર નજીક આવેલા મોરડુંગરી પાસે માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો અને પોલીસ વચ્ચે અથડામણની ઘટના બહાર આવી છે. અરવલ્લી પોલીસ દ્વારા પોશડોડા ભરેલી એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન આરોપીઓ દ્વારા નાસી જવાના ઈરાદે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્વબચાવમાં વળતો જવાબ આપતા બંને પક્ષે સામસામે 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ થયું હતું. આખરે એક આરોપીને પગના ભાગે ગોળી વાગતા તેને ઝડપી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે.વહેલી સવારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.આ શખ્સો બિશ્નોઇ ગેંગના માણસો હોવાનું ખુલ્યું હતું.
મળતી વિગતો અનુસાર, પોલીસે શંકાસ્પદ કારને રોકવાની કોશિશ કરતા જ બુટલેગરોએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલાનો સામનો કરતા અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એમ.એચ. ઝાલાએ જવાબી કાર્યવાહી રૂપે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારના આ અવાજોથી આસપાસનો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ફાયરિંગની આ ઘટનામાં એક આરોપીને પગમાં ગોળી વાગી જતાં તે ઘાયલ થયો હતો, જેને પરિણામે પોલીસે ભારે જહેમત અને જીવના જોખમે પણ આરોપીને દબોચી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સામસામી અથડામણ અને ઝપાઝપીમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને પણ ઈજાઓ પહોંચી છે. જેમાં LCB PI એમ.એચ. ઝાલા, PSI પી.પી. સોલંકી તેમજ ASI કલ્પેશભાઈ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાસ્થળેથી અને આરોપીની કારની તપાસ લેતા પોલીસને બે ઘાતક હથિયારો મળી આવ્યા હતા. પકડાયેલા આરોપી પાસેથી એક અને કારમાંથી બીજી એમ કુલ બે માઉઝર પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ માદક પદાર્થોની હેરાફેરીના નેટવર્કમાં ફરી એકવાર કુખ્યાત બિશ્નોઇ ગેંગનું નામ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક જ અઠવાડિયાની અંદર પોલીસનું આ સતત બીજું મોટું અને દિલધડક ઓપરેશન છે. NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળના ગુનાઓ ડામવા માટે અરવલ્લી પોલીસે હવે પોતાની ઝુંબેશ વધુ આક્રમક અને તેજ બનાવી દીધી છે.






