ફ્રાન્સમાં શિક્ષણ ક્ષેત્રે વધુ બજેટ ફાળવવાની માગણી સાથે જેન-ઝી દ્વારા શરૂ કરાયેલ વિરોધ પ્રદર્શનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હવે સમગ્ર ફ્રાન્સમાં આ આંદોલન ફેલાઇ ગયું છે. મંગળવારે હજારો વિદ્યાર્થીઓ-શિક્ષકો અને અન્ય લોકો રસ્તા પર ઉતર્યા હતા, સાથે જ લગભગ તમામ શાળાઓને બંધ કરાવી દીધી હતી. સરકારે શિક્ષણની હત્યા કરી છે જેવા સુત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે બેફામ લાઠીચાર્જ, આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો.
પોલીસના બળ પ્રયોગ બાદ પ્રદર્શનકારીઓ વધુ રોષે ભરાયા હતા પરિણામે અનેક સ્થળે પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, આ દરમિયાન અનેક વાહનોને આગ લગાવાઇ હતી.વિરોધ પ્રદર્શનોમાં વિદ્યાર્થીઓ, તેમના માતા પિતા અને શિક્ષકો પણ જોડાયા હતા. પેરીસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા એક વિદ્યાર્થી રોબર્ટાએ મીડિયાને જણાવ્યું હતું કે ફ્રાન્સની શાળાઓ ખરાબ અવસ્થામાં છે, પાણી લીક થાય છે, ઉંદરોનો ત્રાસ વધી રહ્યો છે. સરકારે રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બજેટ વધારવું જ પડશે. વિરોધ પ્રદર્શનો શરૂ થયા ત્યારથી અત્યાર સુધી ૬૧૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મોટાભાગના સગીર વયના છે.






