દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે એક અત્યંત કરુણ હોનારત સર્જાઈ હતી. માત્ર 25 વારના પ્લોટ પર બનેલી ચાર માળની ઈમારત અચાનક પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈને રસ્તા પર ગડી પડી હતી. આ ભયાનક અકસ્માતમાં ગર્ભવતી મહિલા અને 2 બાળકો સહિત કુલ 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે મલબા નીચે દબાયેલા 11 લોકોને સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડીસીપી આર. મીણાના જણાવ્યા અનુસાર, મલબા નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક ધોરણે મોટું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાટમાળમાંથી ઉગારેલા 11 ઈજાગ્રસ્તોમાં 3 વર્ષના બાળકના મમ્મી-પપ્પા સહિત 56 વર્ષીય મોમિન મિર્ઝા, 28 વર્ષીય અબ્દુલ રહેમાન, 50 વર્ષીય સલમા અને અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં 21 વર્ષીય ગુલફસા (જે ચાર મહિનાની ગર્ભવતી હતી), એક 12 વર્ષની બાળકી અને અન્ય એક બાળકનો સમાવેશ થાય છે. ઘટનાના લીધે સીમાપુરી ગોળ ચક્કર અને ડીએલએફ ભોપુરા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી ટ્રાફિક પોલીસે લોકોને આ રૂટ પર જવાનું ટાળવા અને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો રાખવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે, હજુ ગયા મહિને જ દક્ષિણ દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં પણ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ 5 માળની પીજી ઈમારત ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોત થયા હતા, જેમાં એમસીડીના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા. સત્ય નિકેતન હોનારત બાદ દિલ્હી સરકારે જૂની ઈમારતોના સ્ટ્રક્ચરલ ઓડિટ અને અનધિકૃત 5 માળની ઈમારતો સીલ કરવા આદેશ આપ્યા હતા, પરંતુ સીમાપુરીની આ ઘટનાએ દિલ્હીમાં નબળા અને ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની નિષ્ક્રિયતા પર ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડકું કરી દીધું છે.






