ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરેએ જણાવ્યું હતું કે દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટો “ખૂબ જ ઝડપે” આગળ વધી રહી છે અને “મોટા ભાગના મુદ્દાઓ” ઉકેલાઈ ગયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને પક્ષો આ કરારને આખરી ઓપ આપવામાં સફળ થશે.
અહીં આયોજિત ‘બ્લૂમબર્ગ ન્યૂ ઈકોનોમી ફોરમ’માં વાતચીત દરમિયાન ગોરે પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારમાં થયેલી પ્રગતિ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરના મૂલ્યાંકન સાથે સહમતિ દર્શાવતા કહ્યું કે, “અમે આ કરારને અંતિમ રૂપ આપવાની ખૂબ નજીક છીએ.” વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા વેપાર કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે અને હાલમાં તેનું કાયદાકીય ડ્રાફ્ટિંગ ચાલી રહ્યું છે.તેમણે આશા વ્યક્ત કરી કે આ કરાર ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ લેશે અને જ્યારે ભારત અન્ય હરીફ દેશોની સરખામણીમાં સ્પર્ધાત્મક લાભ મેળવી લેશે ત્યારે તેને અમલમાં મૂકવામાં આવશે.
વાટાઘાટોની સ્થિતિ વિશે ગોરે કહ્યું, “હું અત્યારે બહુ વિગતોમાં જવા માંગતો નથી, આ જાહેરાત મંત્રીઓ દ્વારા જ થવા દઈએ. પરંતુ એકંદરે જોઈએ તો મોટા મુદ્દાઓ પર સહમતી સધાઈ ગઈ છે. અમે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. અહીં આવ્યાના ત્રણ અઠવાડિયાની અંદર જ અમે એક વેપાર કરારની જાહેરાત કરી દીધી હતી. યુરોપિયન યુનિયન સાથેના વેપાર કરારમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. તેથી આપણે અત્યંત ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમે આ કરાર પૂર્ણ કરી લઈશું.”
————————-





