હિમાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે ધરતી ધ્રુજી છે. આજે વહેલી સવારે 04:37 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સવારે લોકો ઊંઘમાં હતા ત્યારે ભૂકંપના આંચકા આવ્યા હતા. જો કે, ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયું હોય તેવા સમાચાર મળ્યાં નથી. ભૂકંપ કેન્દ્ર શિમલામાં નોંધાયું હતું. જેની ઊંડાઈ 10 કિમી નોંધાઈ! આ ભૂકંપની સૌથી વધારે અસર શિમલા અને સોલનના વિસ્તારમાં રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, શિમલા અને સોલન સાથે સાથે ઉત્તરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. આમ તો 4.1ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટાભાગે કોઈ નુકાસન નથી થયું પરંતુ ચિંતાની વાત એ છે પહાડી વિસ્તારમાં તો 5ની તીવ્રતાનો ભૂકંપ મોટી તારાજી સર્જી શકે છે. જો, 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ અનુભવાય છે તો તેનાથી જાનમાલનું નુકસાન થઈ શકે છે. આવા ભૂકંપ ઘરો અને ઈમારતોને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ અહીં કોઈ જાનમાલને નુકસાન થયું નથી.
પાંચ દિવસ પહેલાં પણ આવ્યો હતો ભૂકંપ
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હિમાચલ પ્રદેશમાં પાંચ દિવસ પહેલાં પણ ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચંબામાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં અગાઉ પણ હળવા તીવ્રતાના ભૂકંપ અનુભવાયા છે. તાજેતરનો આ ભૂકંપ સોમવારે સાંજે 04:40 વાગ્યે અનુભવાયો હતો.





