મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની પાંચ બેઠકોની ચૂંટણી વચ્ચે ભાજપના નેતા અને પ્રધાન ચંદ્રકાંત પાટીલે દાવો કર્યો છે કે ચૂંટણી ઈવીએમથી થાય કે બેલેટ પેપરથી, જીત તો ભાજપ અને મહાયુતિની જ થશે. પુણે શિક્ષક અને પદવીધર મતદારસંઘની ચૂંટણીના પ્રચાર માટે સોલાપુર પહોંચેલા ચંદ્રકાંત પાટીલે વિરોધ પક્ષો પર નિશાન સાધતાં કહ્યું હતું કે વિરોધ પક્ષો જીતી શકતા નથી તેથી હવે તેમને ચૂંટણી પંચનો વાંક દેખાય છે. તેથી તેઓ નાચ ન જાને આંગન ટેઢા જેવું કાર્ય કરી રહ્યા હોવાનો ટોણો માર્યો હતો.
પાટીલે દાવો કર્યો હતો કે દિલ્હી યુનિવર્સિટીની તાજેતરની બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ચાર પૈકી ત્રણ બેઠકો જીતી હતી. ઓડિશામાં પણ વિદ્યાર્થી સંગઠને છમાંથી છ યુનિવર્સિટીની ચૂંટણીઓ જીતી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 27 ઑક્ટોબરે યોજાનારી મતગણતરીમાં મહાયુતિ પોતાની તાકાત બતાવશે.
પુણે શિક્ષક મતદારસંઘની ચૂંટણીમાં મહાયુતિની અંદરના આંતરિક મતભેદો અંગે પૂછવામાં આવતાં પાટીલે સ્વીકાર્યું કે શિવસેનાએ અપક્ષ ઉમેદવાર સચિન સાનપને ટેકો આપવો ભાજપ માટે નિરાશાજનક છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી કે આગામી બે દિવસમાં કોઈ સકારાત્મક ઉકેલ આવી શકે છે. તેમણે મહાયુતિના નેતાઓ અને કાર્યકરોને સહયોગી પક્ષો સામે ટીકા ન કરવાની અપીલ પણ કરી હતી.





