બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.આ ઘટનામાં સામેલ આરોપીઓનું પ્રાથમિક નિશાન ટાઈગર શ્રોફ નહીં, પરંતુ અભિનેતા સલમાનખાન હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાનું કહેવાતા શૂટર્સે સલમાનખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાનની રેકી પણ કરી હતી. જોકે, ત્યાં કડક પોલીસ સુરક્ષા જોઈને તેઓએ હુમલાની યોજના બદલી નાખી હતી. ત્યારબાદ ટાઈગર શ્રોફને નિશાન બનાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, રવિવારે સાંજે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ પહેલાં બાંદ્રા વેસ્ટના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલા સલમાનખાનના ઘરની આસપાસની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સલમાનખાનના નિવાસસ્થાનની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા હોવાથી હુમલાખોરો પોતાની યોજના અમલમાં મૂકી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે ઓછા સુરક્ષાવાળા અન્ય અભિનેતાને નિશાન બનાવવાનો નિર્ણય લીધો હોવાની પોલીસ સૂત્રોને ટાંકીને માહિતી આપવામાં આવી છે.
ટાઈગર શ્રોફને નિશાન બનાવવા પાછળનું એક કારણ તેની દૈનિક પ્રવૃત્તિઓ વિશે મળેલી માહિતી હોવાનું કહેવાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર ચાહકોની પોસ્ટ અને અન્ય પેજના માધ્યમથી આરોપીઓને જાણ થઈ હતી કે ટાઈગર દર રવિવારે જુહુના પુષ્પા નરસી ગ્રાઉન્ડ ખાતે ફૂટબોલ રમવા જાય છે. તેની સાથે સલમાન ખાન જેવી કડક સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આરોપીઓએ તેને સરળ નિશાન માન્યો હતો. અહેવાલો મુજબ, શૂટર્સે ટાઈગરની અવરજવર પર નજર રાખી હતી અને તેની કાર ગ્રાઉન્ડના ગેટમાંથી બહાર નીકળતાં જ ગોળીબાર કર્યો હતો.
આ કેસમાં રાજસ્થાનના કોટામાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં બે હરિયાણાના અને એક બિહારનો રહેવાસી છે. ત્યારબાદ તેમને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા અને મંગળવારની મોડી રાત્રે મુંબઈ લાવવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ હવે આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ કરી રહ્યા છે, જેથી તેઓએ સલમાનખાનના ઘરની રેકી દરમિયાન તસવીરો લીધી હતી કે નહીં અને આ માહિતી કોને મોકલવામાં આવતી હતી તે જાણી શકાય. જોકે, સલમાનખાનના ઘરની રેકી પાછળનો ચોક્કસ હેતુ હજી સ્પષ્ટ થયો નથી.
———————–





