મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર અને ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. સામાન્ય રીતે એરપોર્ટ અને પેસેન્જર ફ્લાઈટ્સ કોઈપણ યુદ્ધ ક્ષેત્રમાં સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત ક્ષેત્ર ગણાતા હોય છે. પરંતુ સાઉદી અરેબિયાના મુખ્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ અને તેલના કુવાઓ પર થયેલા ઉપરા ઉપરી હુમલાઓએ વૈશ્વિક સુરક્ષા વ્યવસ્થા સામે મોટો સવાલ ઊભો કરી દીધો છે. આ સ્થિતિની ગંભીરતા એટલી વધી ગઈ છે કે વૈશ્વિક મહાસત્તા અમેરિકાએ પણ પોતાના અધિકારીઓને તાત્કાલિક અસરથી ત્યાંથી ખસી જવાની સૂચના આપવી પડી છે.
સાઉદી અરેબિયાના પૂર્વીય પ્રાંતમાં આવેલા અને પર્શિયન ગલ્ફ પાસે બહેરીન તેમજ કતારની સરહદ નજીક સ્થિત દમ્મામના જાણીતા ‘કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ પર બુધવારે મોડી રાત્રે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 1 સાઉદી નાગરિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીએ ગુરુવારે સવારે અધિકૃત પુષ્ટિ કરતાં જણાવ્યું કે હુમલાના કારણે એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચ્યું છે.
ગ્લોબલ ફ્લાઈટ ટ્રેકિંગ સર્વિસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી જાહેર કરવામાં આવી હતી કે મધરાતે હુમલા બાદ મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટ્સના રૂટ તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર અગાઉ પણ હૂથી બળવાખોરોની મિસાઈલો અને પ્રોજેક્ટાઈલ હુમલાઓનું નિશાન બની ચૂક્યો છે. જોકે આ તાજા હુમલા અંગે ઈરાન સમર્થિત હૂથી જૂથ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સાઉદી ગઠબંધને જણાવ્યું છે કે તેમણે દેશના પૂર્વીય ક્ષેત્રમાં 4 ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક ઈન્ટરસેપ્ટ કર્યા હતા.






