દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગર મુલાકાતનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે, આગામી ૨૯ અથવા ૩૦મી સપ્ટેમ્બરે તેઓ ભાવનગર આવશે. તંત્રએ આ સૂચિત કાર્યક્રમને લઈને તૈયારીઓ હાથ ધરી છે. વડાપ્રધાન નોરતા ઉપરાંત દિવાળીના પર્વના દિવસોમાં પણ ભાવનગર આવે તેવી સંભાવનાઓ જાેવાઈ રહી છે. નિરાધાર દીકરીઓના યોજાનાર સમૂહ લગ્નોત્સવનું આયોજન આગામી ૬-૧૧ના છે જેમાં વડાપ્રધાન હાજરી આપશે તેમ આયોજકોએ જણાવ્યું હતું.
આમ, સૂચિત બંને કાર્યક્રમો નિશ્ચિત થશે તો વડાપ્રધાન બે મહિનામાં બે વાર ભાવનગરના મહેમાન બનશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાના અંતે વિવિધ વિકાસ પ્રક્લપોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા વડાપ્રધાન મોદી ભાવનગર આવી રહ્યા છે જયારે ૬-૧૧ના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન છે જેમાં હાજરી આપવા આમંત્રણ વડાપ્રધાને સ્વીકાર્યું છે અને કાર્યક્રમમાં સ્ટેજ, મંડપ, પાર્કિંગ વ્યવસ્થા સ્થળ સહિતની બાબતો અંગે પીએમ ઓફિસ તરફથી ફોલોઅપ લેવાઈ રહ્યું છે તેમ આયોજક સુરેશ ભોજપરા (મારુતિ ઇમ્પેક્ષ)એ જણાવ્યું હતું. આ મહિનાના અંતમાં સમૂહલગ્ન સમારોહની આમંત્રણ પત્રિકા દેવા દિલ્હી જવાનું આયોજન હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જવાહર મેદાનમાં નવરાત્રી રાસ ગરબા અને દિવાળી મેળા નહિ થઇ શકે- આયોજકો દોડતા થયા
વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમ સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાને લઈને આ વર્ષે જવાહર મેદાનમાં નવરાત્રી રાસગરબાના પ્રોફેશનલ આયોજન માટે મંજૂરી કે જગ્યા ભાડે નહિ મળે. આ ઉપરાંત દિવાળી પછી ૧૦ દિવસની અંદર જવાહર મેદાનમાં સમૂહ લગ્ન સમારોહ છે જેમાં પણ વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના હોવાથી સુરક્ષા બાબતોને ધ્યાને લઈ જવાહર મેદાનમાં દિવાળી મેળો નહિ થઇ શકે. બે વર્ષ કોરોનાએ આયોજનો થવા દીધા નહિ અને આ વર્ષે મુક્ત વાતાવરણ છે ત્યાં વડાપ્રધાનની મુલાકાતને લઈને જવાહર મેદાનમાં જગ્યા મળવી મુશ્કેલ બનતા આયોજકો દોડતા થયા છે !