દિવાળી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદના વાહનચાલકો અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં એકઝાટકે પ્રતિ કિલો 4.45 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં લોકો ખરીદી અને પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, આ દરમિયાન ભાવવધારો અમલી બનતાં ખાસ કરીને રોજિંદી કમાણી પર નભતા રિક્ષાચાલકો અને મોટરચાલકોના ખિસ્સા પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.
ઓગસ્ટ 2026માં પણ અદાણી ગેસ દ્વારા પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે CNG નો ભાવ 94.20 રૂપિયા પર પહોંચ્યો હતો. હવે ફરી એકવાર 4.45 રૂપિયાનો વધારો કરાતાં અમદાવાદમાં અદાણી CNGનો નવો ભાવ વધીને પ્રતિ કિલો 98.47 રૂપિયાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.સતત વધતા ગેસના ભાવને કારણે ખાસ કરીને રિક્ષા ચાલકોમાં ભારે અસંતોષ અને નારાજગી વ્યાપી ગઈ છે. રિક્ષાચાલકોની મુખ્ય રજૂઆત છે કે ગેસના ભાવમાં સતત અને જંગી વધારો થઈ રહ્યો છે, પરંતુ તે સરખામણીએ વાહન વ્યવહાર કમિશનર દ્વારા રિક્ષાભાડામાં પૂરતો વધારો મંજૂર કરવામાં આવતો નથી.અગાઉ પણ ભાડા વધારા અને ઓનલાઈન કેબ/રિક્ષા એપ્લિકેશનો સામે રિક્ષાચાલકોએ હડતાળ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેવામાં દિવાળીના સમયે જ થયેલા આ નવા ભાવવધારાને કારણે રિક્ષાચાલકો સહિત સામાન્ય વાહનચાલકોનું ઘરચલાવવાનું બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.






