અમેરિકાના ન્યૂ મેક્સિકોમાં ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા પર ડેટા લીકના મુદ્દે ૨૫ અબજ ડોલરનો દંડ ફટકારાયો છે. ડેટા પ્રાઈવસી મુદ્દે અગાઉ પણ અમેરિકા-યુરોપની કોર્ટમાં મેટાને દંડ થઈ ચૂક્યો છે, પરંતુ આ દંડ અત્યાર સુધીનો સૌથી વધુ છે. એકેય ટેકનોલોજીની કંપનીને દુનિયાની કોઈ કોર્ટે આટલી મોટી રકમનો દંડ ફટકાર્યો નથી. મેટા કોર્ટના આ ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરશે.
અમેરિકાના ન્યૂ મેક્સિકોની કોર્ટે કેમ્બ્રિજ એનાલિટિકાના ડેટાના કૌભાંડ બાબતે ચુકાદો આપ્યો હતો. ફેસબુકના યુઝર્સને ગેરમાર્ગે દોરાયા હતા એ સ્વીકારીને કોર્ટે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાને યુઝર્સની પ્રાઈવસીનો ભંગ કરવા બદલ ૨૫ અબજ ડોલર યાને અંદાજે ૨.૩ લાખ કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. ૨૦૨૧માં ન્યૂ મેક્સિકોની કોર્ટમાં મેટા સામે ન્યૂ મેક્સિકો રાજ્યની સરકારે જ કેસ કર્યો હતો. રાજ્ય સરકારે આરોપ મૂક્યો હતો કે કંપની યોગ્ય રીતે યુઝર્સને તેમના ડેટાની જાણકારી આપતી નથી. નફરત ફેલાવતું કન્ટેન્ટ હટાવતી નથી. જુદી જુદી રીતે યુઝર્સના ડેટા તફડાવે છે અને તેને લીક કરે છે.
આ કેસમાં ન્યૂ મેક્સિકોની કોર્ટે કહ્યું હતું કે આ મામલો માત્ર યુઝર્સની પ્રાઈવસીનો નથી, પરંતુ સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારીનો પણ છે. કોર્ટે કહ્યું હતું કે કંપનીના કુલ ૨૯ નિવેદનોમાંથી ૨૬ નિવેદનો ગેરમાર્ગે દોરે છે. ન્યૂ મેક્સિકોના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ કોર્ટે દંડ ફટકાર્યો છે. આ ચુકાદા પછી ન્યૂ મેક્સિકોની કોર્ટના એટર્નીએ જણાવ્યું હતું કે અમેરિકાની ઈતિહાસમાં કોઈ ટેકનોલોજી કંપની પર આટલી મોટી રકમનો દંડ થયો હોય એવું પહેલી વખત બન્યું છે. આ ઉદાહરણરૂપ ચુકાદો બની રહેશે. તેનાથી અમેરિકાની ટેકનોલોજી કંપનીઓને સ્પષ્ટ મેસેજ જશે કે કંપનીઓએ જવાબદારીપૂર્વક વર્તન કરવું પડશે અને યુઝર્સની પ્રાઈવસીને મહત્ત્વ આપવું પડશે. મેટાએ આ ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો સંકેત આપ્યો છે.






