પીએમ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કોંગ્રેસ પક્ષને આડે હાથે લેતા જણાવ્યું કે કોંગ્રેસ પોતાની ‘નિષ્ફળ પ્રોડકટ’ને લોન્ચ કરવાના પ્રયાસોમાં દેશને કેટલા સમય સુધી જોખમમાં મૂકતી રહેશે, તેમણે કહ્યું કે શ્રીહરિકોટાથી એક વર્ષમાં જેટલા રોકેટ લોન્ચ કરવામાં આવે છે. તેના કરતાં વધુ વખત કોંગ્રેસે પોતાના નેતાને લોન્ચ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કોંગ્રેસનો આ પરિવાર હવે પોતાની જ પાર્ટી પર એક બોજ બની ગયો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ એક ‘નવી વ્યવસ્થા’ની શોધમાં છે, ત્યારે ભારતમાં કેટલાક લોકો ‘અવ્યવસ્થા’નું સ્વપ્ન જોઈ રહ્યા છે. તેમણે ટિપ્પણી કરી કે અમુક લોકો ભારતની છબી ખરડવા પર મક્કમ છે. તેઓ વિદેશ જાય છે અને દેશને બદનામ કરે છે અને અન્ય દેશોના લોકોને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવા માટે ઉશ્કેરે છે.
આ ઉપરાંત તેમણે દેશના અર્થતંત્ર પર વાત કરતાં જણાવ્યું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ મુશ્કેલ છે.ત્યારે ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે 2020 માં મે G20 મંચ પર એક વિચાર રજૂ કર્યો હતો. જેમાં ‘માનવજાતના સામૂહિક કલ્યાણ માટે એક નવી વિશ્વ વ્યવસ્થા’નું આહ્વાન કરવામાં આવ્યું હતું. તેમણે એક એવી વ્યવસ્થાની કલ્પના કરી હતી જેના કેન્દ્રમાં માનવતા હોય. તે જ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમણે ટિપ્પણી કરી હતી કે જો સદી બદલાય છે પરંતુ આપણે નથી બદલાતા તો સાર્થક પરિવર્તન લાવવાની આપણી ક્ષમતા ઘટી જાય છે.
પીએમ મોદીએ કહ્યું કે આજનો પ્રશ્ન માત્ર એટલો જ નથી કે વૈશ્વિક વ્યવસ્થા બદલાઈ રહી છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે જૂની વ્યવસ્થાનું સ્થાન નવી વ્યવસ્થા લઈ રહી છે. ત્યારે આપણે સામૂહિક રીતે કેવા પ્રકારની નવી વિશ્વ વ્યવસ્થાનું નિર્માણ કરવા ઈચ્છીએ છીએ. બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા અનિવાર્ય છે. ‘ગ્લોબલ સાઉથ’ ને તેમનું યોગ્ય સ્થાન અને અવાજ મળવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સહયોગ માત્ર સારા સમય પૂરતો જ સીમિત ન રહેવો જોઈએ. તે સંકટના સમયમાં પણ અસરકારક રહેવો જોઈએ.






