સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે કે હોસ્પિટલો દર્દીઓ પાસેથી દવાઓ અને અન્ય જરૂરી સામાન માટે ખૂબ વધુ MRP વસૂલે છે, જે એક ખોટી પ્રથા છે. સરકારે જણાવ્યું છે કે તે આ સમસ્યા પ્રત્યે જાગૃત છે, તેની તપાસ કરી રહી છે અને તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરીને યોગ્ય પગલાં ભરવાની યોજના બનાવી રહી છે.
તમામ દવાઓ અને મેડિકલ સાધનોના ભાવ નક્કી કરવા (કિંમત મર્યાદિત કરવા/કેપિંગ) અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં, રસાયણ અને ખાતર મંત્રાલયે જણાવ્યું કે હોસ્પિટલો સમક્ષ દર્દીઓની ભાવતાલ કરવાની સ્થિતિ ખૂબ નબળી હોય છે, જેનો લાભ લઈને અનેક પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવે છે.
સોગંદનામામાં આ વિડંબણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતમાં સસ્તી દવાઓ બનાવતી કંપનીઓ હાજર હોવા છતાં, અહીં દર્દીઓને દવાઓના ઉત્પાદન ખર્ચ કરતાં અનેકગણી વધુ કિંમત ચૂકવવી પડે છે, અને હોસ્પિટલો તેમની પાસેથી જરૂર કરતાં વધુ પૈસા વસૂલે છે. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે ભારતીય દવા બજારમાં ઘણી પ્રતિસ્પર્ધા છે. અહીં દરેક દવા કેટેગરીમાં મોટી સંખ્યામાં દવા કંપનીઓની હાજરી છે. જેના પરીણામે અહીં દવાઓની કિંમતો દુનિયામાં સૌથી ઓછી છે.
સરકારે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે હોસ્પિટલ સમક્ષ દર્દીની ભાવતાલ કરવાની સ્થિતિ “ખૂબ નબળી” હોય છે, અને તેમને દવાઓ, તેના વિકલ્પો તેમજ તેની કિંમતો વિશે પણ ખૂબ ઓછી માહિતી હોય છે. હોસ્પિટલો કેન્સરની દવાઓ પર 700% સુધી વધુ કિંમત વસૂલે છે. સરકારના જણાવ્યા અનુસાર, ભાવતાલ કરવાની આ અસમાનતા અને માહિતીના અભાવને કારણે, દવા ઉત્પાદકો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવા છતાં, સિસ્ટમમાં અનેક પ્રકારની ગેરરીતિઓ જોવા મળે છે.






