પશ્ચિમ બંગાળના પશ્ચિમ વર્ધમાન જિલ્લામાં સોમવારે સાંજે કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આસનસોલની કુમારડીહ ‘એ’ કોલિયરીમાં લિફ્ટ બગડી જવાને કારણે ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ)ના આશરે 12 થી 14 મજૂરો જમીનથી લગભગ 200 ફૂટ નીચે ફસાઈ ગયા હતા. આ ઘટના બાદ ખાણમાં નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ખાણમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના ઈસીએલ)ના બંકોલા વિસ્તારની કુમારડીહ ‘એ’ કોલિયરીની છે મજૂરો ખાણની અંદર જવા-આવવા માટે વપરાતી લિફ્ટમાં સવાર હતા. સ્થાનિક ભાષામાં આ લિફ્ટને ‘ડોલી’ કહેવામાં આવે છે. આ દરમિયાન લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને મજૂરો જમીનની નીચે ફસાઈ ગયા. પ્રાથમિક માહિતી અનુસાર, લિફ્ટનું સંચાલન કરતી વાયર અથવા દોરડું એન્જિન રૂમમાં લાગેલા ડ્રમમાં ફસાઈ/ગૂંચવાઈ ગયું હતું. આ કારણે લિફ્ટનું સંચાલન અચાનક બંધ થઈ ગયું અને મજૂરો નીચે ફસાઈ ગયા.
ખાણમાં ફસાયેલા મજૂરોની સંખ્યાને લઈને અધિકારીઓ અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓના અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. શરૂઆતની માહિતીમાં 14 મજૂરો ફસાયા હોવાની વાત કહેવામાં આવી હતી. જોકે, બાદમાં ઈસીએલના એક અધિકારીએ જણાવ્યું હતું કે આશરે 10 થી 12 મજૂરો નીચે ફસાયેલા છે. હજુ સુધી ફસાયેલા મજૂરોની ચોક્કસ સંખ્યા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.ઘટનાની જાણ થતાં જ ખાણમાં બચાવ અને સમારકામનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. લિફ્ટના દોરડાને ડ્રમમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે ડ્રમને ઊંધી દિશામાં ફેરવવાની કોશિશ થઈ રહી છે, જેથી દોરડું સુરક્ષિત રીતે છૂટું પડી જાય અને લિફ્ટનું સંચાલન ફરી શરૂ કરી શકાય. ટ્રેડ યુનિયનના નેતા મિન્ટુ બેનર્જીએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામી દૂર કરવામાં કેટલો સમય લાગે છે તેના પર રેસ્ક્યુ ઓપરેશનનો સમય નિર્ભર રહેશે.






