ચક્રવાતી વાવાઝોડા ‘અર્નબ’ ની ભયાનક અસરના કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનોએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. હવામાન વિભાગએ રાજ્યના 13 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ યનમમાં અચાનક પૂર આવવાનું ગંભીર જોખમ વ્યક્ત કર્યું છે. વાવાઝોડાને લગતી વિભિન્ન દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે પ્રભાવિત પરિવારો માટે તાત્કાલિક રાહત અને આર્થિક સહાયની મોટી જાહેરાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
હવામાન વિભાગના ચક્રવાત ચેતવણી કેન્દ્ર દ્વારા બાપટલા, ગુજં ટૂર, એનટીઆર, ક્રિષ્ણા, એલુરુ, પૂર્વ ગોદાવારી, કાકીનાડા, અલ્લૂરી સીતારામ રાજૂ, વિશાખાપટ્ટનમ, વિજયનગરમ, અનકાપલ્લી, પાર્વતીપુરમ મન્યમ અને પશ્ચિમ ગોદાવારી જિલ્લાઓ માટે ફ્લેશ ફ્લડનું હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે જમીન પાણીથી સંતૃપ્ત થઈ ગઈ હોવાથી નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થવાની શક્યતા છે. આ ઉપરાંત દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને તટીય વિસ્તારોમાં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
આંધ્રપ્રદેશના અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે, જેની વિગતે વાત કરીએ તો, ગરિવિડીમાં 26 સેમી વરસાદ થયો છે. જ્યારે અનાકાપલ્લી, શ્રીંગવરપુકોટા, વેપાડા અને ચીપુરુપલ્લેમાં 25-25 સેમી વરસાદ નોંધાયો છે. આ સાથે ભીમુનિપટ્ટનમ, મેંટાડા અને યેલમંચિલીમાં 24-24 સેમી વરસાદ ખાબક્યો છે. મછલીપટ્ટનમમાં પવનની મહત્તમ ઝડપ 96 કિમી પ્રતિ કલાક જ્યારે વિશાખાપટ્ટનમ અને કાકીનાડામાં 80 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચક્રવાતે તટથી અથડાવાની (Landfall) પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. ત્યારબાદ આ તોફાન ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. આમ છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 3 નવેમ્બર સુધી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુની સહાયની જાહેરાત
મુખ્ય પ્રધાન નાયડુ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેની વિગતે વાત કરીએ તો, વિશાખાપટ્ટનમમાં વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે અનાકાપલ્લી અને ભીમાવરમમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. મુખ્ય પ્રધાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સ્થિતિની જાણકારી આપી છે






