કોલેજમાં વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા માટે જતા હોય છે, પરંતુ અત્યારે કેટલીક કોલેજો એવી પણ છે, જ્યા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે. આવી જ એક ઘટના રાજસ્થાનની બાડમેર મેડિકલ કોલેજમાં બની હતી. જેમાં કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ કોલેજમાં રેગિંગ કેસની તપાસ કરવામાં આવી અને બાદમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગના આરોપમાં 80 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 વિદ્યાર્થિનીઓ પણ સામેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે 13 છાત્રોને હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવ્યાં છે. રેગિંગ કેસની તપાસ દરમિયાન વોટ્સએપ ચેટ અને આપત્તિજનક સોશિયલ મીડિયા સામગ્રી પણ મળી આવી છે, જેમાં હવે કોલેજની એન્ટી રેગિંગ સમિતિ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે. આ સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવું પ્રકાશમાં આવ્યું કે, સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓને કથિત રીતે પરેશાન કરવામાં આવતા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો. જે આરોપમાં કોલેજ દ્વારા 80 છાત્રા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી તેમાં 15 છોકરીઓ પણ સામેલ છે. આ વિદ્યાર્થીઓ જુનિયર વિદ્યાર્થીઓને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા. એટલું જ નહીં પરંતુ તેમના ફોનમાંથી શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી હતી.
આ રેગિંગ કેસનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો કે, તેમને ‘વ્હાઈટ હાઉસ’ નામના રૂમમાં લઈ જવામાં આવતા હતા. અહીં તેમના વાળ કાપી નાખવામાં આવતા હોવાની ફરિયાદ થતા સમગ્ર કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, 80 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 13ને હોસ્ટેલમાંથી કાઢી દેવામાં આવ્યાં છે. 6 છાત્રને હોસ્ટેલમાંથી કાઢવામાં આવ્યા સાથે 60 દિવસ સુધી શૈક્ષણિક કાર્ય પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અન્ય છ વિદ્યાર્થીઓ પર આગામી એક વર્ષ સુધી સાંસ્કૃતિક અને ખેલ પ્રવૃત્તિમાં ભાગ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અન્ય સાત વિદ્યાર્થીઓને છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને તેમને 30 દિવસ સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, 11 વિદ્યાર્થીઓને 30 દિવસ માટે છાત્રાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ 11 વિદ્યાર્થીઓને 15 દિવસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરવાનો અને એક વર્ષ સુધી સાંસ્કૃતિક તથા રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.






