દેશભરના અન્ય પછાત વર્ગ સંગઠનો અને સામાજિક જૂથોએ જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે. ‘ઓલ ઈન્ડિયા કાસ્ટ સેન્સસ કોઓર્ડિનેશન કમિટી’ દ્વારા આગામી 28 નવેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન બોલાવવામાં આવ્યું છે. આ અગાઉ 1 નવેમ્બરના રોજ પણ કોંગ્રેસના નેતૃત્વમાં ‘ઈન્ડિયા’ ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે આ જ મેદાન પર મોટું પ્રદર્શન કર્યું હતું.
ગુરુવારે વિવિધ OBC સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી કે 2027ની વસ્તી ગણતરીના તબક્કામાં ડ્રોપડાઉન મેનૂ સામેલ કરવામાં આવે. સંગઠનોના મતે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), OBC અને સામાન્ય વર્ગ સહિતની તમામ જાતિઓને અલગ-અલગ વિશિષ્ટ કોડ આપવા જોઈએ. આ વ્યવસ્થાથી જાતિઓની ઓળખ અને ગણતરીમાં સ્પષ્ટતા આવશે અને સામાજિક ન્યાય માટે સચોટ આંકડા ઉપલબ્ધ થશે.
2027ની વસ્તી ગણતરીની પ્રશ્નાવલીમાં કેન્દ્ર સરકારે SC અને ST સિવાયના બાકીના તમામ વર્ગો માટે જાતિની માહિતી ભરવા માટે ‘ખુલ્લું કોલમ’ (Open Column) રાખવાનો નિર્ણય લીધો છે. સંગઠનોએ 2011ની સામાજિક-આર્થિક અને જાતિ વસ્તી ગણતરી (SECC) નો દાખલો આપતા જણાવ્યું કે, તે સમયે ખુલ્લા કોલમના કારણે જાતિઓના 46 લાખથી વધુ નામો સામે આવ્યા હતા અને આંકડાકીય ગરબડના કારણે તેનો રિપોર્ટ રદ કરવો પડ્યો હતો. તેથી ભૂલો અને પુનરાવર્તન ટાળવા ડ્રોપડાઉન વિકલ્પ અનિવાર્ય છે.
‘ભારત જોડો અભિયાન’ના રાષ્ટ્રીય સંયોજક યોગિન્દ્ર યાદવે આ પ્રદર્શનને સમર્થન આપતા જણાવ્યું કે, અસમાનતાઓને સમજવા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક સમુદાયની યોગ્ય ગણતરી જરૂરી છે. બીજી તરફ, ઓલ ઈન્ડિયા OBC સ્ટુડન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ જી. કિરણ કુમારે દેશભરના યુવાનોને 28 નવેમ્બરના આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. ડીએમકે (DMK) ના રાજ્યસભા સાંસદ પી. વિલ્સન અને તેલંગાણાના પૂર્વ મંત્રી વી. શ્રીનિવાસ ગૌડે પણ દરેક OBC સમુદાય માટે માનકીકૃત જાતિ નિર્દેશિકા તૈયાર કરવાની માંગને સમર્થન આપ્યું છે.
પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓ:
2027ની વસ્તી ગણતરીમાં તમામ જાતિઓ માટે ડ્રોપડાઉન મેનૂની વ્યવસ્થા કરવી.,SC, ST, OBC અને સામાન્ય વર્ગની તમામ જાતિઓને અલગ વિશિષ્ટ કોડ આપવા, OBC સમુદાય માટે અલગ ડ્રોપડાઉન વિકલ્પ અને માનકીકૃત જાતિ નિર્દેશિકા તૈયાર કરવી., અનામત પર લાગેલી 50 ટકાની મર્યાદા હટાવવામાં આવે.
————






