વિદેશની ધરતી પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માતે અનેક પરિવારોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ના ફુજૈરામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એકસાથે 23 વાહનો એકબીજા સાથે અથડાતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં ભારતીય નાગરિકો સહિત કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ અનેક વાહનોમાં આગ લાગી હતી અને ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે ઇમરજન્સી ટીમો દોડી આવી હતી.
મળતી માહિતી અનુસાર, UAEના ફુજૈરા અમીરાતમાં એક બેકાબૂ ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. ટ્રકની ટક્કર બાદ એક પછી એક વાહનો અથડાતાં કુલ 23 વાહનો અકસ્માતનો ભોગ બન્યાં હતાં. ટક્કર એટલી ભયાનક હતી કે અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો ઉપરાંત UAEના સ્થાનિક નાગરિકોનાં પણ મોત થયાં છે. UAE સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે મૃતકોમાં ભારતીય નાગરિકો હોવાની પુષ્ટિ કરી છે, સાથે જ મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.
અકસમાતમાં ઘાયલ થયેલા લોકોમાં ભારત, UAE, ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઇજિપ્તના નાગરિકોનો સમાવેશ થાય છે. UAEના ગૃહ મંત્રાલયે આ અંગે પ્રાથમિક માહિતી આપી છે, અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી અને વિશેષ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને મદદ પહોંચાડવા અને અકસ્માતની અસરને નિયંત્રિત કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, અકસ્માત કયા ચોક્કસ કારણોસર થયો અને વાહનો એકબીજા સાથે કેવી રીતે અથડાયાં તેની વિગતવાર તપાસ ચાલી રહી છે. આ ભયાનક અકસ્માતે UAEમાં માર્ગ સુરક્ષાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.




