અમેરિકાની ટેક કંપની એપલ સામે ભારતમાં કાનૂની મુશ્કેલી ઊભી થઈ છે. અમેરિકાની સ્ટાર્ટઅપ સીજી ટેક્નોલોજીસએ આઈફોન ના ‘નેમ ડ્રોપ’ ફીચર પર પેટંટના ઉલ્લંઘનનો આરોપ લગાવી બોમ્બે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કંપનીએ આશરે રૂપિયા 1500 કરોડના વળતરની માંગણી સાથે ભારતમાં આ ફીચર ધરાવતા આઈફોન અને એપલ વૉચના વેચાણ તથા આયાત પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. આ સ્ટાર્ટઅપની સ્થાપના IIT દિલ્હીના પૂર્વ વિદ્યાર્થીએ કરી છે.
સીજી ટેક્નોલોજીસનો દાવો છે કે એપલનું નેમ ડ્રોપ ફીચર તેની સ્ટે ટચ એપમાં વપરાતી ટેક્નોલોજી જેવુ જ છે. આ ફીચરની મદદથી બે આઇફોનને નજીક લાવીને સંપર્કની વિગતો શેર કરી શકાય છે. આ માટે મેન્યુઅલ નંબર ટાઈપ કરવાની કે અલગથી પેરિંગ કરવાની જરૂર પડતી નથી. એપલએ જૂન 2023માં iOS 17 સાથે આ ફીચર રજૂ કર્યું હતું, જ્યારે એપલ વૉચના પસંદગીના મોડલમાં ઓકટોબર 2023માં ઉપલબ્ધ કરાવ્યું હતું.
સીજી ટેક્નોલોજીસે 2019માં StayTouch એપ લોન્ચ કરી હતી અને એ જ વર્ષે અમેરિકામાં પેટન્ટ માટે અરજી કરી હતી. 2021માં ભારતમાં પણ અરજી કરાઈ હતી, જેને જુલાઈ 2024માં મંજૂરી મળી હતી. એપ્રિલ 2026માં કંપનીએ એપલ સામે મધ્યસ્થીની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ સમાધાન ન થતાં ઓક્ટોબરમાં બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કંપનીએ 781 પાનાંની અરજીમાં રૂપિયા 1,500 કરોડના વળતરની માગ કરી છે.સીજી ટેક્નોલોજીસે અમેરિકામાં પણ એપલ સામે પેટન્ટ ઉલ્લંઘનનો કેસ કર્યો છે. ઓગસ્ટ 2026માં અમેરિકાના ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશન (ITC)એ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. કંપની ત્યાં પણ કથિત રીતે પેટન્ટનું ઉલ્લંઘન કરતા એપલ ડિવાઇસની આયાત અને વેચાણ પર પ્રતિબંધ ઇચ્છે છે.






