અમેરિકા દ્વારા ટેરિફ લાદવાની સતત મળી રહેલી ધમકીઓ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ આજે ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી અને હરિયાળી જોવા મળી છે. સપ્તાહના કારોબારી દિવસે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની ચોતરફી લેવાલી નીકળતા બીએસઈ સેન્સેક્સમાં 1434 પોઈન્ટ અને એનએસઈ નિફ્ટીમાં 407 પોઈન્ટ સુધીનો તોતિંગ ઉછાળો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે સોમવારે સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સમાં 1800થી વધુ પોઇન્ટની ઉથલપાથલ મચી હતી.
બીએસઈ સેન્સેક્સ ગત સત્રના 82,435.99 ના જૂના બંધ ભાવ સામે આજે 1000 પોઈન્ટથી વધુના ગેપ-અપ સાથે 83,436.89 ના સ્તરે ખૂલ્યો હતો. કારોબારની શરૂઆતમાં નીચામાં 83,380.75 ના સ્તરે ગયા બાદ બજારમાં જોરદાર ખરીદી નીકળી હતી અને સેન્સેક્સ 1434 પોઈન્ટ ઉછળીને 83,869.60 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સની 52 સપ્તાહની ઊંચી સપાટી 86,159.02 અને નીચી સપાટી 71,292.88 રહી છે.
સેન્સેક્સની જેમ એનએસઈ નિફ્ટી 50 માં પણ શરૂઆતથી જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. નિફ્ટી તેના 25,349.65ના જૂના બંધ ભાવ સામે આજે 25,658.35 ના સ્તરે ખૂલ્યો હતો. કારોબાર દરમિયાન નીચામાં 25,619.00 સુધી ગયા બાદ નિફ્ટીમાં 407 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને તે 25,756.00 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટીની 52 સપ્તાહની ઊંચી સપાટી 26,373.20 અને નીચી સપાટી 22,179.90 છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી સામે સ્થાનિક ફંડ્સ અને રિટેલ રોકાણકારોની સતત ખરીદીએ બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે.,બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને આઈટી ક્ષેત્રના દિગ્ગજ શેરોમાં નીચલા મથાળેથી આકર્ષક વેલ્યુએશન પર મોટી ખરીદી જોવા મળી છે.અગાઉના ઘટાડા બાદ તેજીવાળા ખેલાડીઓ સક્રિય થતા મંદીવાળાઓએ પોતાના સોદા કાપવા પડ્યા હતા, જેના કારણે બજારમાં ઝડપી ઉછાળો આવ્યો હતો.






