પ્રસ્તાવિત સીમાંકન બિલને લઈને સંસદમાં થનારી આગામી બેઠક પહેલાં સરકાર અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ટકરાવ વધી રહ્યો છે. કોંગ્રેસે આ બિલનો ખુલ્લેઆમ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે અને રાહુલ ગાંધીએ તેને રોકવા માટે પૂરી તાકાતથી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર મહિલા અનામત લાગુ કરવાને બદલે સીમાંકન દ્વારા લોકસભામાં પોતાની બેઠકો વધારવા માંગે છે અને બે-તૃતીયાંશ બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પાર્ટીએ એવો પણ સંકેત આપ્યો છે કે જો વિપક્ષી ગઠબંધનનો કોઈ પક્ષ આ મુદ્દે અલગ વલણ અપનાવે, તો તેની સાથેના રાજકીય સંબંધો પર ફરીથી વિચાર કરવો પડી શકે છે. શુક્રવારે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે સંસદનું વિશેષ સત્ર મહિલા અનામત લાગુ કરવા માટે નહીં, પરંતુ સીમાંકન માટે બોલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ સંસદીય રણનીતિ જૂથની બેઠક સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ પોતાના રાજકીય હિત માટે આ બિલ ફરી લાવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ અગાઉ પણ તેનો વિરોધ કરી ચૂકી છે અને આ વખતે પણ તેને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ વિપક્ષની એકતા પર ભાર મૂક્યો હતો અને ડીએમકે, સમાજવાદી પાર્ટી તેમજ શરદ પવારની આગેવાની હેઠળના એનસીપી જૂથને સંયુક્ત વ્યૂહરચના માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો વિપક્ષી ગઠબંધનનો કોઈ પક્ષ સીમાંકનના મુદ્દે નક્કી થયેલા સામૂહિક વલણથી અલગ થશે, તો તેની અસર ગઠબંધનની કામગીરી પર પડશે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જો શરદ પવારના એનસીપી જૂથ દ્વારા સીમાંકન બિલના સમર્થનમાં મતદાન કરવામાં આવે, તો કોંગ્રેસે પોતાની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરવો પડશે. સામૂહિક નિર્ણયથી પાછળ હટનાર પક્ષ સાથે અગાઉની જેમ કામ કરવું મુશ્કેલ બની શકે છે.




