સૌરાષ્ટ્રના સમગ્ર મોટા શેત્રુંજી ડેમને આજે મેઘરાજાએ આખરે છલકાવી દીધો હતો. છેલ્લા બે દિવસથી ડેમની સપાટી સડસડાટ ઉંચે જઇ રહી હતી. અમરેલી જિલ્લામાં ભારે માત્રામાં વરસાદ પડતા શેત્રુંજી નદી મારફત ધસમસતી આવક થઇ રહી હતી તો ગઇકાલે જેસર અને ગારિયાધાર પંથકમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા દર કલાકે આવકનો પ્રવાહ વધી રહ્યો હતો. આખરે વહેલી સવારે લગભગ છ વાગ્યે શેત્રુંજી ડેમ ૩૪ ફુટની પૂર્ણ સપાટીએ ભરાઇ જતા રૂલ લેવલ જાળવવા માટે થઇને તબક્કાવાર દરવાજાઓ ખોલી નખાયા હતાં.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જ ભાવનગર શહેરના સુચિત પાણી પ્રશ્નનો અંત આવી ગયો છે તો ખેડૂતો પણ સિંચાઇ માટે પાણી મેળવી શકશે.
ભાવનગર શહેરની જીવાદોરી પાલિતાણાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની કાઉન્ટ ડાઉન બે દિવસથી ચાલી રહ્યું હતું. અંતે આજે ગુરુવારે સવારે ૬ વાગ્યે તબક્કાવાર દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયાના સમાચાર મળતા જ ગોહિલવાડમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. આજે સવારે પ્રથમ ૨૦ દરવાજા બાદ ૪૦ અને અંતમાં તમામ ૫૯ દરવાજા ખોલી દેવાયા હતા. બપોરે ૧ વાગ્યે શેત્રુંજી ડેમમાં પાણીની આવક-જાવક ૧૫,૨૦૦ ક્યુસેક નોંધાઇ છે. ડેમનું ઓવરફ્લોનું પાણી શેત્રુંજી ઉપરાંત ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં પણ છોડવામાં આવી રહ્યું છે. વહેલી સવારે ડેમના તમામ ૫૯ દરવાજા ખોલાતા જ શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદી બે કાંઠે વહેવા લાગી હતી. જ્યારે ડેમ પર પણ આહલાદક નજારો જાેવા મળ્યો હતો.
પાલિતાણા નજીક આવેલ શેત્રુંજી ડેમ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ હોવાનું ગૌરવ છે. ભાવનગર શહેરના પીવાના પાણી માટે આ ડેમ પર મદાર છે તો ડાબા તથા જમણા કાંઠાની ખેતીના પાક માટે સિંચાઈ અર્થે શેત્રુંજી ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. આમ, ડેમ ઓવરફ્લો થતા જ ભાવનગરના પીવાના પાણીનો સૂચિત પ્રશ્ન અને સિંચાઈ માટેની સમસ્યાનો અંત આવ્યો છે. આ વર્ષે શેત્રુંજી ડેમ પ્રથમ વખત છલકાયો છે પરંતુ ઉપરવાસમાં સારો વરસાદ રહેશે તો આ ઉપક્રમ શરૂ રહેશે તેમ જણાય છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે તા.૯-૯-૨૦૨૧ના રોજ સિઝનમાં પ્રથમ વખત શેત્રુંજી ડેમ છલકાયો હતો બાદમાં દિવસો સુધી ઓવરફ્લો રહ્યો હતો.
આ વખતે પહેલેથી જ કેનાલમાં ઓવરફ્લોનું પાણી છોડાયું…
શેત્રુંજી ડાબા અને જમણા કાંઠા કેનાલ મારફત હજારો હેકટર જમીન સિંચાઇનું પાણી મેળવે છે. હાલ ચોમાસું હોવાથી કેનાલનું પાણી ખાસ ઉપયોગી નથી પરંતુ વરસાદ ખેંચાય તો ઉપયોગી થઈ શકે ઉપરાંત કેનાલ પણ રિચાર્જ થઈ જાય તે હેતુથી શેત્રુંજી ડેમના ઓવરફ્લો થતા પાણીના જથ્થા પૈકી કેટલોક જથ્થો કેનાલમાં પણ છોડવામાં આવી રહ્યો છે. લગભગ પાંચેક વર્ષ પૂર્વે ભાજપના અગ્રણી કિશોર ભટ્ટે કેનાલમાં ઓવરફ્લો થતું પાણી છોડવા ર્નિણય લેવરાવ્યો હતો. બાદમાં દર વર્ષે કેનાલમાં ઓવરફ્લોનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ વર્ષે સાંસદ ભારતીબેન શિયાળે સમયસર તંત્રને સૂચના આપી આજે પ્રથમ દિવસથી જ કેનાલમાં ઓવરફ્લોનું પાણી છોડવા ર્નિણય લેવરાવ્યો હતો.