કેન્દ્રીય ટેલિકોમ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓડિશાના ભુવનેશ્વરમાં એસઓએ યુનિવર્સિટીમાં બોલતા એવું કહ્યું કે ભારતમાં હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન દોડાવવાનો સરકારનો પ્લાન છે અને 2023 સુધીમાં આવી ટ્રેનો દોડતી થઈ જશે અને તેને માટે કામ ચાલી રહ્યું છે. જર્મનીમાંથી પ્રેરણા લઈને ભારતે હાઈડ્રોજન ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ગત મહિને જર્મનીએ હાઈડ્રોજનથી ચાલતી 14 ટ્રેનો લોન્ચ કરી દીધી છે જે સારી રીતે ચાલી રહી છે અને તેને કારણે ઈંધણનો ઓછો ખર્ચ આવે છે અને પ્રદૂષણની માત્રામાં પણ મોટો ઘટાડો થાય છે.
ચાલુ વર્ષના ઓગસ્ટમાં જર્મનીએ હાઈડ્રોજનથી ચાલતી ટ્રેન લોન્ચ કરી દીધી છે જે વિશ્વની પહેલી ટ્રેન છે. ફ્રાન્સની કંપની અલસ્ટોમ હાઈડ્રોજનથી ચાલતી 14 ટ્રેનોનું નિર્માણ કર્યું છે. હાઇડ્રોજનથી ચાલતી દરેક ટ્રેન એક સાથે 999 કિમીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવતી હશે. તેની મહત્તમ ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ ટ્રેનમાં હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ થાય છે.
વૈષ્ણવે કહ્યું કે ભારતીય રેલવે તેની સ્પીડ પાવર ટર્મિનલ પોલિસી દ્વારા દેશના દૂરના અને સંપર્ક વિહોણા વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે અને આ નીતિ હેઠળ કામ ઝડપથી ચાલી રહ્યું છે. “સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ, જે દેશની સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે, તેને ભારતમાં ઇન-હાઉસ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવી છે. આ ટ્રેન છેલ્લા 2 વર્ષથી કોઈ પણ પ્રકારની ખામી વગર સારી રીતે ચાલી રહી છે. તેમણે કહ્યું કે આઇસીએફ ચેન્નઈમાં આવી વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તે રેલ્વે ટ્રેક પર દોડતી જોવા મળશે.