વલભીપુરના પાટણા ગામમાં આવેલ એક મકાનની બાજુના વાડાની ઓરડીમાંથી વલભીપુર પોલીસે વિદેશી દારૂની ૧૮૦ બોટલ સાથે એક્ શખ્સને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો મૂકી જનાર શિહોરના શખ્સ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો.
આ અંગે મળતી વિગતો મુજબ વલભીપુર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે પાટણા ગામમાં આવેલ ઉદય કરસનભાઈ સાટિયાના મકાનની બાજુમાં આવેલ વાડાની ઓરડીમાં સંતાડીને રાખેલો ૧૮૦ બોટલ ઇંગ્લિશ દારૂ કિ. રૂ. ૫૪ હજાર મળી આવતા ઉદય સાટીયાની ધરપકડ કરી હતી.
આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પૂછપરછ કરતા બે દિવસ પહેલા રાતના સમયે સિહોરમાં રહેતા ઘનશ્યામ મેહુલભાઈ બુધેલીયા ઉર્ફે જે.ડી. આ દારૂનો જથ્થો મૂકી ગયા હોવાનું જણાવતા વલભીપુર પોલીસે બંને ઈસમો વિરોધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી સિહોરના શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.