વિવિધ માગોને લઈ અડાલજ પાસેના શેરથા ખાતે માલદારી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. માલધારી વેદના સમ્મેલનમાં 20 કરતા વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતા પણ વધુ મંદિરના ભૂવા, 17 કરતા પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલદારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સભામાં હાજર રહ્યા હતા. સભામાં માલધારી સમાજ આકરા પાણીએ જોવા મળ્યો હતો. પોતાની માગણીઓને લઈ તેમજ તકલીફને લઈ માલધારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો.
માલધારી સમાજની કુલ 14 માગણીઓ છે જેને લઈને માલધારી સમાજ કેટલાક સમયથી સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. તેવામાં સરકારે વધુ એક કાયદો લાવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાનોનું કહેવું છે, અમે કેટલાય સમયથી અમારા 14 મુદ્દાની માગ કરતા હતા. તેવામાં સરકાર ઢોર નિયંત્રણ બિલ લઈને આવી. જેનાથી એવું લાગી રહ્યુ છે કે, સરકાર માલધારી સમાજને સજા આપવા માગતી હોય.
માલધારી વેદના સમ્મેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી. જેમાં જો સરકાર માગણી નહી સ્વિકારે તો આગામી સમયમાં ગાંધીનગરમાં વિધાનસભા ઘેરવા તેમજ ચક્કાજામ સહિતના ઉગ્ર કાર્યક્રમો કરવાની ચિમકી ઉચ્ચીરી હતી. એટલુ જ નહીં પરંતુ 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચીર છે. માલધારી વેદના સમ્મેલનમાં ધારાસભ્ય રઘુ દેસાઈએ મંચ પરથી એક દિવસ માલદારી સમાજને એક દિવસ દૂધ નહી ભરાવવાની તેમજ વહેંચવાની જાહેરાત કરી હતી. હાલતો માલધારી સમાજ પોતાની પડતર માગોને લઈ મેદાને છે. અને જો આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન થાય તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર બિલ પાછુ ખેંચે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારો સમય જ બતાવશે.
સરકાર માંગ નહી સ્વિકારે તો ગાંધીનગર ઘેરીને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી
માલધારી સમાજની માગણીઓ છે, જેમાથી મુખ્ય માગણી 2022માં લાવવામાં આવેલુ ગુજરાત ઢોર નિયંત્રણ બિલ રદ્દ કરવું. તેમજ માલધીર વસાહતો બનાવી પશુ અને માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી. ઢોર પકડવા નિકળતી ટીમ માલધારીઓની બેન- દિકરીઓ પર ખોટા પોલીસ કેસ કરવાનું બંધ કરે. વ્યવસ્થા અને પશુ માટે આયોજન કર્યા વગર શહેરીકરણ બંધ કરવામાં આવે. માલધારીઓના નિવાસ, વાડા અને તબેલામાંથી પશુઓ ઝુંટવવાનું બંધ કરવામાં આવે. ગૌચર જમીન પચાવી પાડવાનું બંધ કરી, ગૌચર જમીન ફાડવવામાં આવે. ડબ્બાઓમાં પુરાએલી ગાયોને દંડ લઈને છોડી મુકવાના કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. માલધારી સમાજ ગાયો રસ્તા પર છુટી મુકે છે તેવો પ્રચાર બંધ કરવામાં આવે. શહેરી વિસ્તારમાં જાહેરમાં ઘાસ ચારો વેચવાનો બંધ કરાવામાં આવ્યો તે કાયદો રદ્દ કરવામાં આવે જેથી માલધારી રોજી-રોટી કમાઈ શકે. આવી વિવિધ માંગોને લઈ માલધારી સમાજે સમ્મેલન કરી રહ્યા છે અને જો આવનાર સમયમાં સરકાર માંગ નહી સ્વિકારે તો ગાંધીનગર ઘેરીને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.