રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારના 19 સપ્ટેમ્બરના રોજ 8 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) માં નવા ડિરેક્ટરોની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. આ અંગે ખુદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી છે.
શિક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે IIT મદ્રાસના પ્રોફેસર શેષાદ્રી શેખર અને પ્રોફેસર શ્રીપદ કર્માલ્કરને ક્રમશ: IIT પલક્કડ અને IIT ભુવનેશ્વરના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે IIT ખડગપુરના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર વેંકયપ્પા.આર દેસાઈને IIT ધારવાડના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો IIT ધારવાડના વર્તમાન ડિરેક્ટર પ્રોફેસર પશુમર્થી સેશુને IIT ગોવાના ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તદુપરાંત પ્રોફેસર કે.એન સત્યનારાયણને આઈઆઈટી તિરુપતિ, પ્રોફેસર રાજીવ પ્રકાશને આઈઆઈટી ભિલાઈ, પ્રોફેસર રજત મૂનાને આઈઆઈટી ગાંધીનગર અને પ્રોફેસર મનોજ સિંહ ગૌરને આઈઆઈટી જમ્મુના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય વતી ટ્વિટ કરીને આ તમામ પ્રોફેસરોને તેમની નવી નિમણૂંક અને ડાયરેક્ટર બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ અગાઉ સોમવારના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે IIT એ માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નથી, પરંતુ તે વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા અને માનવતા માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટેનું મંદિર છે. તેઓએ એમ પણ કહ્યું કે, અમારા સમાજને તમામ IIT પાસેથી અનેક અપેક્ષાઓ છે. આઈઆઈટીમાં શિક્ષણ મેળવતા આપણા વિદ્યાર્થીઓએ પ્રગતિ અને વિકાસના માર્ગદર્શક બનવું પડશે. તેઓએ કહ્યું કે હવે તે દિવસ દૂર નથી કે જ્યારે સમગ્ર વિશ્વ મગજ સંશોધન કેન્દ્રનો લાભ લેવા IIT મદ્રાસ આવશે. 3D-પ્રિંટિંગ ટેક્નોલોજી જેવા નવીન વિચારો બાંધકામ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે, વિસ્થાપનના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઘણી મદદ કરી શકે છે અને ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપી શકે છે.
કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભારપૂર્વક નિવેદન આપતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ‘પંચ પ્રાણ’ અપનાવવાની આપણા સૌને અપીલ કરી છે. ભારતને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા તેમજ ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવામાં IIT મદ્રાસ જેવી સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. આગામી 25 વર્ષ આપણા બધા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. અમે ‘અમૃત કાલ’ માં પ્રવેશ કરતા સમયે આપણે એક એવા દેશ પર વિજય મેળવ્યો કે છે જેણે આપણને વસાહતીકરણ બનાવી લીધા હતા. ભારત અભૂતપૂર્વ ગતિએ વિકાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ઝડપથી વિકાસ કરી રહેલા ભારતની સ્થાનિક જરૂરિયાતો વિશાળ હશે કે જે આપણા તમામ IIT એ પૂરી કરવી પડશે.