ગુજરાત સરકાર સામે જંગે ચડેલા માલધારીઓએ પોતાની લડતને અસરકારક બનાવવા આજે પૂર્વ જાહેરાત મુજબ દૂધની સપ્લાય ઠપ્પ કરી દીધી હતી જેના પગલે દૂધની અછત ઉભી થવા પામેલ. માલધારીઓ બુધવારે હડતાલ કરવાના હોવાની જાણ થતા જ ગઇકાલે મંગળવાર સાંજથી જ દૂધની માંગમાં વધારો થયોે હતો અને દૂધની થેલીઓ મેળવવા ગ્રાહકોએ લાઇનો લગાવી હતી. બીજી બાજુ સર્વોત્તમ ડેરી-અમુલ દ્વારા આ માંગને પહોંચી વળવા ગઇકાલે દૂધ સપ્લાય વધારી દેવામાં આવ્યું હતું. જ્યારે આજે પણ પોલીસ બંદોબસ્ત તળે દૂધ સપ્લાય માટે વાહનો યથાક્રમે દોડાવાયા હતાં. જાે કે, તેમ છતાં માલધારીની હડતાલે સારી એવી અસર ઉભી કરી હતી. દૂધ નહીં મળવાને કારણે ભાવનગરમાં ચાની અનેક કીટલીઓ પણ બંધ રહી હતી.
પશુ નિયંત્રણ કાયદો સંપૂર્ણ રદ્દ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઇને માલધારી-પશુપાલકોએ લડતના મંડાણ કર્યાં છે અને તેની લડતને અસરકારક બનાવવા બુધવારે દૂધનું વિતરણ-સપ્લાય બંધ રાખવા નક્કી થયું હતું જેનો આજે ચુસ્ત અમલ જાેવા મળ્યો હતો. પશુપાલકોએ ગ્રાહકો તેમજ ડેરીમાં દૂધ નહીં ભરીને પોતાની લડતને અસરકારક બનાવી હતી જેના પગલે દૂધની અછત સર્જાઇ હતી. હાલ શ્રાધ્ધના દિવસો ચાલી રહ્યા છે ત્યારે દૂધપાક અને ખીર બનાવવા દૂધની ખાસ જરૂરીયાત રહેતી હોય છે ત્યારે શ્રાધ્ધ પર્વ પણ બગડ્યા હતાં ! પશુપાલકોની હડતાલના પગલે ગઇકાલથી જ દૂધની જબ્બર ડિમાન્ડ ઉભી થઇ હતી. દૂધ નહીં મળે તેવા ડરે ગ્રાહકોએ અમુલના પાર્લરો પર ભીડ જમાવી હતી જેના કારણે રાત્રે જ પુરવઠો મોટાભાગના પાર્લરો પર ખુટી પડ્યો હતો આથી આજે સવારે અનેક પાર્લરો ખુલ્યા જ ન હતાં. જાે કે, આજે પોલીસ બંદોબસ્ત તળે દૂધનો પુરવઠો યથાક્રમે વિતરીત કરાયો હોવાનું સર્વોતમ ડેરી-સિહોરના ચેરમેન મહેન્દ્રભાઇએ જણાવ્યું હતું.
માલધારીઓએ ૫૦૦ લીટરનો દુધપાક બનાવી હોસ્પિટલમા દર્દીઓને આપ્યો
ઢોર નિયંત્રણ કાયદો રદ કરવાની માંગ સાથે માલધારી સમાજ દ્વારા આજે દુધનુ વેચાણ નહી કરી નદીમાં વહાવી દેવાની કરેલી જાહેરાત બાદ બાવળીયારીના મહંત રામબાપુ દ્વારા માલધારીઓને દુધ રસ્તાઓ પર ઢોળવાના બદલે હોસ્પિટલ અને અનાથાશ્રમમાં આપવા માલધારીઓને અપીલ કરતા આજે ભાવનગરમાં માલધારીઓએ ૫૦૦ લીટર દૂધનો દૂધપાક બનાવી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવ્યો હતો.
સર્વોતમ ડેરી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂધ પાર્લરો સુધી પહોંચાડાયું
ગ્રાહકોને દૂધ મળી રહે તે માટે તંત્ર સાથે સંકલન કરીને સર્વોતમ ડેરી સિહોર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ભાવનગર જિલ્લામાં દરરોજ ૩.૧૫ લાખ લીટર દૂધની સપ્લાય અમુલ-સર્વોતમ ડેરી દ્વારા થતી હોય છે. પરંતુ બુધવારે હડતાલ હોવાથી સર્વોતમ ડેરીએ મંગળવારે બપોરથી જ સપ્લાય શરૂ કરી દઇ સાંજ સુધીમાં ૩.૪૦ લાખ લીટર દૂધનો જથ્થો જુદા જુદા પાર્લરો સુધી પહોંચતો કર્યો હતો. જ્યારે આજ સવારથી પણ સપ્લાયની કામગીરી યથાક્રમે ચાલુ રાખી હતી. પોલીસ બંદોબસ્ત તળે જુદા જુદા સેન્ટરો પર દૂધનો જથ્થો પહોંચાડાયો હતો. સર્વોતમ ડેરી સિહોર અને સર ખાતેના પ્રોડક્શન યુનિટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો તેમ સર્વોતમ ડેરી સિહોરના ચેરમેન મહેન્દ્રભાઇ પનોત સાથેની એક વાતચિતમાં જાણવા મળ્યું હતું.
સિહોરના સાગવાડી અને કાજાવદરમાં બળપ્રયોગનો પ્રયાસ થતા પોલીસ બોલાવાઇ
સર્વોતમ ડેરી હસ્તકના સિહોર તાલુકાના સાગવાડી અને કાજાવદર ગામની દૂધ ડેરી બંધ રખાવવા બળપ્રયોગનો પ્રયાસ થતા પોલીસને જાણ કરાઇ હતી. દૂધ નહીં સ્વીકારવા દેવા કેન્દ્રને બંધ રાખવા દબાણ કરાતા પોલીસ દોડી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.