કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષ દરમ્યાન સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ ખેલિયાઓ ગરબા – ગરબીથી વંચિત રહ્યા હતા, ભારત જ્યારે વિશ્વગુરૂ તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતની નવરાત્રીને જ્યારે યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે ત્યારે દેશ-વિદેશમાં નવરાત્રિએ આ વખતે અનેરું આકર્ષણ જમાવ્યું છે. ત્યારે લંડનના કચ્છી- ગુજરાતીઓ વિશેષ નવરાત્રી ઉત્સવ મનાવી રહ્યા છે.
વર્ષોથી લંડનમાં કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છી સોશિયલ કલ્ચર સોસાયટી દ્વારા નવરાત્રીનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. શનિવાર રાત્રે કચ્છી લેવા પટેલ કોમ્યુનિટી લંડન દ્વારા જે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તે યુરોપની સૌથી મોટી નવરાત્રી છે ત્યાં તમામ સમાજના ગુજરાતી ભાઈ- બહેનો ગરબાની રમઝટ બોલાવે છે.
ઇંગ્લેન્ડની નવરાત્રિમાં પણ એવું જ થયું. માતાજીની આરતીનો ભક્તિમય માહોલ, પરંપરાગત રંગબેરંગી વેશભૂષામાં સજ્જ ગુજરાતીઓના રાસ અને ગરબાનો સ્થાનિક માહોલ જોઈને અતિ અનુશાસિત ગણાતા આ દેશના પોલીસ અધિકારીઓ પણ સુરક્ષા બાબતે એટલા નિશ્ચિંત બન્યા કે પોતે પણ બધી ચિંતા છોડીને ગરબા રમવા લાગી ગયા હતા, આ નવરાત્રિ પ્રસંગે યુ.કેના કાઉન્સિલરો, ડોક્ટરો, સોલિસ્ટિસ્, ઉધોગપતિઓ, વેપારીઓ, જોડાયા હતા.