અમેરિકાના પડોશી દેશ મેક્સિકોના સિટી હોલમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 18 લોકોના મોત થયા છે. ફાયરિંગમાં માર્યા ગયેલા લોકોમાં મેયર કોનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને પૂર્વ મેયર જુઆન મેન્ડોઝા અને સાત પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
અમેરિકામાં બનતી ગોળીબારની ઘટનાઓની અસર હવે તેના પડોશી દેશોમાં પણ જોવા મળી રહી છે. ગુરુવારે અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. મેક્સિકો સિટી હોલમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં મેયર સહિત 18 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, બપોરના સમયે અચાનક બંદૂકધારીઓ ગુરેરો રાજ્યના સેન મિગુએલ તોતોલાપનના સિટી હોલમાં પહોંચ્યા અને લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ફાયરિંગની ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં મેયર કૉનરાડો મેન્ડોઝા, તેમના પિતા અને પૂર્વ મેયર જુઆન મેન્ડોઝાની સાથે 7 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.
ફાયરિંગની ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે. જોકે, હજુ સુધી તેઓ પોલીસની પકડમાં આવ્યા નથી. ફાયરિંગની ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં સિટી હોલની દિવાલો પર ગોળીઓના નિશાન દેખાઈ રહ્યા છે. હોલની બારીના કાચ પણ તૂટેલા છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં માસ ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. હવે મેક્સિકોમાં પણ આવી ઘટનાઓ બનવા લાગી છે. જો કે, મેક્સિકોમાં બનતી ઘટનાઓ મોટાભાગે ડ્રગ્સ તસ્કરોની વચ્ચે ફાયરિંગ અથવા ગેંગ વોર સાથે સંબંધિત હોય છે.