ભારત સરકારે તજજ્ઞો સાથે પરામશ કરી વર્ષોની મથામણના અંતે એક બીલ તૈયાર કર્યું હતુ. તે બિલ ભારતની સંસદે ડિસેંબર ૨૦૧૬ માં(વિકલાંગતા વિધેયક ૨૦૧૬) ના નામે પસાર કર્યું. તેમાં કૂલ ૨૧ વિકલાંગતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકલાંગોને સમાન તક અધિકારોનું રક્ષણ અને સહભાગીતા અર્પણ કરવા ઘડાયેલો કાયદો હજુ સુધી કાગળના થોથામાંથી બહાર નીકળી શક્યો નથી. કાગળ પર શક્તિશાળી દેખાતો અધિનિયમ અમલદારોના પાંજરે પુરાયો છે. અશક્ત વ્યક્તિઓના કલ્યાણ માટે ઘડાયેલો કાયદો કાગળના ઢગલા વચ્ચે ગુંગળાય રહ્યો છે.
ગુજરાત રાજ્યના કેટલાક વિભાગો દ્વારા પરીપત્રો થયા હોવા છતાં અમલના નામે મિંડું જાેવા મળે છે. વિકલાંગોના કિમિશ્નરની કચેરીમાં ન્યાય મેળવવા આવતા વિકલાંગ અરજદારોને ધક્કા ખાવા પડે છે. એકપણ અરજદારને વિકલાંગ કમિશ્નર કચેરી દ્વારા ન્યાય મળ્યો હોય તેવું આજદિન સુધી જાણવા મળ્યું નથી. નીરાશ થયેલા વિકલાંગોને નામદાર કોર્ટના દરવાજા ખટખટાવા પડે છે. આવા બાળકોને શિક્ષણની સેવા પ્રદાન કરતી અંદાજે ૧૩૨ ખાસ શાળાઓમાં કર્મચારીઓની વયમર્યાદા, અવસાન અને અન્ય કારણોસર ખાલી પડેલ જગ્યાઓ છેલ્લા ૧૨ વર્ષથી ભરવામાં આવી નથી. નહિ ભરાયેલી જગ્યાઓ છઠ્ઠા અને સાતમાં પગાર પંચના અમલના નામે અનુક્રમે વર્ષ ૨૦૦૬માં ૨૪૯ અને વર્ષ ૨૦૧૬માં ૨૪૧ મળી લગભગ ૪૯૦ જગ્યાઓ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ ૫૪ જગ્યાઓ રદ થતા અત્યાર સુધીમાં કુલ ૫૪૪ જગ્યાઓ રદ થઈ ગઈ છે. રાજ્યના સમાજસુરક્ષા ખાતા હસ્તકની ખાસ શાળાઓમાં રદ થયેલી જગ્યાઓ પૈકી કોર્ટના દબાણના કારણે નિયામક સમાજસુરક્ષા ખાતુ ગાંધીનગર દ્વારા સરકારની આબરુ સાચવવા આઉટસોર્સિંગથી ૧૦૯ શૈક્ષણિક જગ્યાઓ ભરવા હુકમ બહાર પાડવામાં આવ્યો છે. બીજીતરફ વિકલાંગ બાળકોને શિક્ષણ પુરું પાડતી આંગળીના વેઢે ગણી શકાય એટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ છેલ્લા ૨૦ વર્ષથી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. તેની સામે સર્વશિક્ષા અભિયાન યોજનામાં ફરજ બજાવતા લગભગ ૧૦૦૦ વિશીષ્ટ શિક્ષકો સરકારની વહીવટી કામગીરી કરી રહ્યા છે. એસ. એસ. એ. યોજનામાં અગ્યાર મહીનાના કોન્ટ્રાક્ટ જાેડાયેલા લગભગ ૧૦૨૪ વિશીષ્ટ શિક્ષકો પોતાના અધિકારો મેળવવા મેદાને પડ્યા છે. પણ કોઈને વિકલાંગ બાળકોની પડી નથી.ટેક્નોલોજીના યુગમાં વિકલાંગો પણ ઉપકરણોની મદદથી સામાન્ય વ્યક્તિઓ જેવું જીવન જીવવા સમર્થ બની શકે તેવું શિક્ષણ તેને મળવું જાેઈએ. આ માટે ખાસ શાળાઓમાં નવુ મહેકમ ઉભુ કરવાની જરુર છે. નવી જગ્યાઓ ફાળવવાના બદલે કર્મચારીઓની વય મર્યાદાના કારણે ખાલી પડેલ જગ્યાઓ ભરવામાં આવતી નથી. સમયાંતરે આવી ખાલી પડેલ જગ્યાઓ રદ કરી દેવામાં આવે છે. તેની સામે ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ અવાજ ઉઠાવ્યો છે.