આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળએ ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. જોકે, IMFના એક અધિકારી કહ્યું છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ સારી જોવા મળી રહી છે. IMFના એક અધિકારીએ મંગળવારે કહ્યું હતું કે દરેક દેશની આર્થિક વિકાસના મામલામાં ધીમી ગતિ છે, પણ ભારત પર તેનો પ્રભાવ પડ્યો નથી. આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારીએ કહ્યું છે કે અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.
IMFના એશિયા અને પ્રશાંત વિભાગના ડાયરેક્ટર કૃષ્ણા શ્રીનિવાસને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અત્યારે વૈશ્વિક સ્થિતિ મોટી સમસ્યા છે. તેમણે કહ્યું હતું કે મોંઘવારી ભલે વધી ગઈ છે, પણ દુનિયાના ઘણા હિસ્સાઓમાં વિકાસ તો ધીમી ગતિથી જ થઈ રહ્યો છે.
એવો પણ સમય હતો કે જ્યારે IMFએ વર્ષ 2022 માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 6.8 ટકા કર્યું હતું. જ્યારે આ પહેલા જુલાઈમાં ભારતનો વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનું અનુમાન હતું. IMFના અધિકારીએ કહ્યું કે આ વર્ષે અથવા આવતા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે જવાબદાર ઘણા દેશો મંદીના લપેટામાં આવી જશે. તેમણે કહ્યું કે મોંઘવારી ઝડપથી વધી રહી છે, તો આ એક વ્યાપક સમસ્યા બની શકે છે. અધિકારીએ કહ્યું કે આજે જ્યાં લગભગ દરેક દેશની આર્થિક વિકાસની રફતાર ધીમી છે, એવામાં ભારતનું પ્રદર્શન સારું છે. ભારત અન્ય દેશોની સરખામણીમાં ઉજ્જવળ સ્થાન પર છે. શ્રીનિવાસને દુનિયાની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ- અમેરિકા, યૂરોપીય સંઘ અને ચીનને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે અહીં સ્થિતિ બગડી શકે છે.