ભાવનગરમાં સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓનો સન્માન સમારોહ તેમજ તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર ભાવનગર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના સાત ગોળ એક મંચ ઉપર આવ્યા હતા. જેમાં કોરોના વોરિયર્સ પ્રજાપતિ સ્ટાફનું સન્માન કરાયુ હતુ.
ભાવનગર શહેર જિલ્લામાં વસતા વાટલીયા પ્રજાપતિ, વરિયા પ્રજાપતિ , સોરઠીયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, ગુર્જર ક્ષત્રિય કડિયા કુંભાર, મારું મારવાડી પ્રજાપતિ અને બનાસકાંઠા પ્રજાપતિ સમાજ સહિત સાત ગોળ તેમજ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં શૈક્ષણિક ક્ષેત્ર, વહીવટી ક્ષેત્ર અને તબીબી સહિત વિવિધ ક્ષેત્રે ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારી તરીકે ફરજ બજાવતા વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોના કાળ દરમિયાન ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખડે પગે સેવા આપનાર પ્રજાપતિ સમાજના ભાઈઓ તથા બહેનોનું તમામ સાત ગોળ પ્રજાપતિ સમાજ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના સાત ગોળ એક મંચ ઉપર ઉપસ્થિત રહીને વિશિષ્ટ પ્રતિભાઓને બિરદાવી હતી. આ ઉપરાંત ધોરણ ૧૦ તથા ૧૨ અને કોલેજ કક્ષાએ તથા અન્ય ફેકલ્ટીમાં ઉજ્જવળ દેખાવ કરનાર તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાત ગોળના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે ભાવનગર કોર્ટના જજ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સમાજમાં આવા પ્રકારના કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાેઈએ. સફળતા કોઈનો ઇજારો નથી પરંતુ તેના માટે સખત પરિશ્રમ કરવો જરૂરી છે.
મહિલા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ધીરુભાઈ ધંધુકિયા જણાવ્યું હતું કે સંગઠિત થવું ખૂબ જરૂરી છે. આવા કાર્યક્રમો થકી પ્રજાપતિ સમાજ એક જૂથ બનીને પ્રગતિ કરી શકે તેમ છે તેના માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જરૂરી છે.
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ટ્રસ્ટી ભુપતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભાવનગરના આંગણે યોજાયેલો આ કાર્યક્રમ પ્રજાપતિ સમાજ માટે દિશા સૂચિત રહ્યો છે. કાર્યક્રમમાં તબીબો તેમજ વહીવટી અધિકારીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કરીને સંગઠિત થવા તેમજ શિક્ષિત થવા માટે સુર વ્યક્ત કર્યો હતો.