રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે મહેસાણા અને દ્વારકાના બે રૂટ પર ગુજરાત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આજે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ સ્થળોની યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. . ભાજપ રાજ્યમાં ત્રીજી વખત આ યાત્રા કાઢી રહ્યું છે. પાર્ટીએ અગાઉ 2002 અને 2017માં આ યાત્રા કાઢી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પહોંચશે. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં ચાલી રહેલી ગુજરાત ગૌરવ યાત્રામાં ભાગ લેશે. અમિત શાહ બે જગ્યાએથી ત્રણ રૂટ પર યાત્રાને પ્રસ્થાન કરાવશે. ગૃહમંત્રી અમિત શાહ નવસારી પહોંચશે અને અહીંથી ઉનાઈ માતાના મંદિરે દર્શન અને પૂજા પછી તેઓ આદિવાસી ગૌરવ યાત્રાને પણ ફ્લેગ ઓફ કરશે. આ યાત્રા ગુજરાત ગૌરવ યાત્રાનો એક ભાગ છે. ભાજપે આ યાત્રાના રથમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિવાસીઓના કલ્યાણ માટેના કામ બતાવ્યા છે. આદિવાસી ગૌરવ યાત્રા રાજ્યના માત્ર આદિવાસી પટ્ટાને આવરી લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત ગૌરવ યાત્રાને લગતા બંને કાર્યક્રમો નવસારી જિલ્લામાં યોજાશે
ભાજપ માટે આ યાત્રા મહત્વની છે. જેપી નડ્ડાથી લઈને અમિત શાહ સુધીના ડઝન જેટલા કેન્દ્રીય મંત્રીઓ તેમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવશે. ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર, ગજેન્દ્ર શેખાવત, સર્વાનંદ સોનોવાલ, હરદીપ પુરી, પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત સંજીવ બાલિયાન અને રાવ સાહેબ દાનવેના નામ સામેલ છે. રાજ્યમાં જોવામાં આવે તો પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તમામ પૂર્વ મંત્રીઓ સાથે હાજર રહેશે. આ આગેવાનોની હાજરીમાં આગામી નવ દિવસમાં 182 વિધાનસભા મતવિસ્તારોમાંથી 144માં 145 જેટલા જાહેર કાર્યક્રમો યોજાશે અને ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા 5,734 કિમીનું અંતર કાપવામાં આવશે.