ગુજરાત વિધાનસભા ચૂંટણી દર વખતે પ્રભુત્વ ધરાવતા સમાજની ફરતે ફરતે લડવામાં આવે છે. પાટીદાર, કોળી, ઠાકોર કે અન્ય કોઈ પણ સમાજ જેના મત વધારે તેણે વધુ ટિકિટની ફોર્મ્યુલા દરેક પક્ષ અપનાવતું હોય છે. પણ ચૂંટણીમાં પોતાના સમાજના સ્તંભ વધુ મજબૂત કરવા સામાજિક આગેવાનો પક્ષ પર પ્રેશર પોલિટીક્સ કરતાં હોય છે. આજે પહેલા પાટીદાર સમાજના આગેવાન બાદ ક્ષત્રિય સમાજે પણ ચૂંટણીમાં સામર્થ્ય પ્રમાણે ટિકિટ આપવાની માંગ અત્યારથી તેજ કરી છે.
પહેલા પાટીદાર સમાજ, કોળી સમાજ બાદ હવે ક્ષત્રિય સમાજે રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરી છે. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટને લઈ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે નિવેદન આપતા કહ્યું છે કે 55થી 60 ટિકિટ ક્ષત્રિય સમાજને જે આપશે તે પક્ષને સમર્થન આપવામાં આવશે. સમાજનો વિકાસ કરવો હોય તો રાજકીય સત્તા જરૂરી હોવાનું જણાવી ક્ષત્રિય સમાજના લોકોને પણ હાકલ કરી છે કે જો કોઈ પક્ષ ટિકિટો નહીં આપે તો અપક્ષમાંથી ઉમેદવારો ઊભા કરવામાં આવશે. આ સાથે વિધાનસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને એક થવા રાજ શેખાવતે કરી અપીલ કરી હતી. આપને એ પણ જણાવી દઈએ કે 30 ઓક્ટોબરે કરણી સેના દ્વારા બાયડ ખાતે મોટી સામાજિક સભાનું આયોજન કરાયું છે જેમાં ચૂંટણીમાં પ્રભુત્વને લઈ ચર્ચા વિચારણા થશે.