સતનામાં એક સરકારી હોસ્પિટલના ડોક્ટરે ‘શ્રી હરિ’ લખી દર્દીને દવાનું પ્રિસ્ક્રીપ્શન હિન્દીમાં લખી આપ્યું હતું, જે પ્રિસ્ક્રીપ્શનનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો છે.આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશમાં હિન્દીને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ દેશનું એવું પહેલું રાજ્ય છે જ્યાં એન્જીનીયરીંગ અને મેડિકલનો અભ્યાસ હિન્દી ભાષામાં કરાવાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ રવિવારે મેડિકલ પાઠ્યક્રમના હિન્દી પુસ્તકનું વિમોચન કર્યું હતું.આ પહેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રિસ્ક્રીપ્શનમાં દવાઓના નામ હિન્દીમાં કેમ ન લખી શકાય, તેમાં શું તકલીફ છે ? ક્રોસીન તો હિન્દીમાં પણ લખી શકાય.
પ્રિસ્ક્રીપ્શનની શરુઆત ‘શ્રી હરિ’ લખીને કરો અને નીચે ક્રોસીન હિન્દીમાં લખી દો.મુખ્યમંત્રીના આ શબ્દોની એ અસર પડી કે કોટર પ્રાથમિક શાસકીય પ્રાથમિક કેન્દ્રમાં પદસ્થ ચિકિત્સા અધિકારી ડો. સર્વેશ સિંહે દવાનું પ્રિસ્ક્રીપ્શન હિન્દીમાં લખ્યું છે,જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. ડો. સર્વેશનું કહેવું છે કે મેં આજથી જ આની શરુઆત કરી દીધી છે.