કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. લગભગ 24 વર્ષ પછી ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ પહેલા સીતારામ કેસરી બિન-ગાંધી પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થયું હતું. આ વખતે મુકાબલો પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે હતો. જેમાંથી મલ્લિકાર્જુન ખડગે શશિ થરૂરને હરાવવામાં સફળ રહ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેને 7,897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને 1,072 વોટ મળ્યા હતા.
શશિ થરૂરે કહ્યું, ‘કોંગ્રેસના અધ્યક્ષ બનવું એ ખૂબ જ સન્માનની વાત છે, મોટી જવાબદારી છે, હું મલ્લિકાર્જુન ખડગેને આ ચૂંટણીમાં સફળતા માટે અભિનંદન આપું છું. અંતિમ ચુકાદો ખડગેની તરફેણમાં આવ્યો, હું કોંગ્રેસની ચૂંટણીમાં તેમની જીત માટે તેમને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. તે સાથે જ તેમણે કહ્યું, ‘અમે કોંગ્રેસની વિદાય લેતા અધ્યક્ષ સોનિયા ગાંધીના ઋણી છીએ કે તેમણે અત્યંત નાજુક પરિસ્થિતિઓમાં પાર્ટીને નેતૃત્વ અને શક્તિ પ્રદાન કરી. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવામાં તેમના યોગદાન બદલ હું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના લગભગ 9900 પ્રતિનિધિઓ પાર્ટીના વડાને ચૂંટવા માટે મતદાન કરવા માટે લાયક હતા. કોંગ્રેસ મુખ્યાલય સહિત લગભગ 68 મતદાન મથકો પર મતદાન થયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગભગ 9500 પ્રતિનિધિઓએ (ઇલેક્ટોરલ કૉલેજના સભ્યો) સોમવારે પાર્ટીના નવા પ્રમુખને ચૂંટવા માટે મતદાન કર્યું.